- કુપોષણ નાથવા સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે
- છતાં સગર્ભા મહિલાઓને સડેલુ અનાજ અપાતાં ચકચાર
- લાભાર્થીઓને આવો જથ્થો અપાયો હશે તો પરત લેવા કાર્યવાહી હાથ ધરી
કુપોષણ નાથવા માટે સરકાર બાળકો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. બીજી તરફ સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવે છે. પરંતુ મેઘરજ તાલુકામાં અપાતા આ પોષણક્ષમ આહાર સડેલો હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. તાલુકામાં સગર્ભા મહિલાઓને આપવામાં આવતા ચણાના પેકેટમાં ચણા સડેલા જોવા મળતાં તંત્રમાં દોડધામ મચી હતી. બનાવને પગલે કયા વિસ્તારમાં આ ચણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ છે તેની તપાસ હાથ ધરી આવા સડેલા ચણા સગર્ભા મહિલાઓ પાસે હોય તો પરત લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકાર દ્વારા પ્રથમ સગર્ભાને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક કિલો તેલનું વિતરણ કરવામાં આવે છે. સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનમાં આવતો આ પુરવઠો આંગણવાડી કાર્યકર દ્વારા મેળવવામાં આવે છે. બાદમાં પ્રથમ વખતના સગર્ભા મહિલાને તે પુરવઠો આપવામાં આવે છે. દરમિયાન મેઘરજ તાલુકામાં આપવામાં આવતા ચણાના પેકેટમાં ચણા સડેલા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આપવામાં આવેલ ચણાના પેકેટમાં જીવાત ખદબદતી હોવાના વાયરલ વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે. એક તરફ કુપોષણ નાથવા પ્રથમ વખત માતા બની રહેલ મહિલાને પોષણક્ષમ આહાર આપવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ રીતે સડેલા ચણાના પેકેટ હોવાનો વીડિયો સામે આવતાં અનેક સવાલો ઉભા થયા છે. આ રીતે સડેલા ચણા કેટલા લાભાર્થી મહિલાઓ સુધી પહોંચી ગયા ? મેઘરજ પંથકનો વીડિયો વાયરલ થયો છે પરંતુ જિલ્લામાં ક્યાય આવો જથ્થો વિતરણ કરાયો છે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થયા છે. સરકારની કરોડોની યોજનાઓ બાદ પણ આ રીતે જીવાતવાળો આહાર લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો હોય રોષ પણ ભભૂકી ઉઠયો છે.
આંગણવાડીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે- ઈન્ચાર્જ સીડીપીઓ
આ અંગે ઈન્ચાર્જ સીડીપીઓ મેઘરજ ઘટક-1ના રૂપલબેન વ્યાસે જણાવ્યુ હતુ કે, વીડિયો વાયરલ થતાં મેઘરજ પંથકની આંગણવાડીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સડેલા ચણા લાભાર્થીઓને આપવામાં આવ્યા હશે તો પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ વિતરણ કરાશે. બીજી તરફ સડેલા ચણાનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાંથી ન લેવા આંગણવાડી કાર્યકરોને તાકીદ કરી દેવામાં આવી છે. સડેલો માલ દુકાનોમાં ન મોકલવા ગોડાઉનના અધિકારીઓને પણ જાણ કરવામાં આવનાર છે.


