કરવાચોથ ગુજરાતી તિથિ પ્રમાણે આસો વદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. આ વ્રતનું માહાત્મ્ય આજે આધુનિક યુગમાં પણ જરાય ઓછું નથી થયું. ગ્રામીણથી લઈને શહેરની આધુનિક યુવતીઓ પણ બહુ આસ્થા સાથે કરવાચોથનું વ્રત કરે છે. કરવાચોથનું વ્રત પતિ-પત્નીના સંબંધને વધુ ગાઢ બનાવે છે. આ વ્રતનું સૂક્ષ્મભાવ જગતમાં બહુ મહત્ત્ત્વનું સ્થાન રહ્યું છે. પત્ની પતિની દીર્ઘાયુ માટે ભાવથી વ્રત કરતી હોવાથી પતિના મનમાં પણ તેની પત્ની માટે વધુ ને વધુ ગાઢ આદર સાથે પ્રેમભાવ જાગે છે. આ રીતે આ વ્રત પતિ-પત્નીના સંબંધને વધુ ભાવસભર અને ગાઢ બનાવે છે. આ પર્વનું ધાર્મિક તેમજ ભાવનાત્મક મૂલ્ય પણ અનેરું છે.
વ્રતની વિધિ
આ વ્રત 12 કે 16 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી તેનું ઉજવણું કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રી આ વ્રત આજીવન કરવા ઇચ્છતી હોય તો પણ કરી શકે છે. વ્રતના દિવસે સવારે સ્નાન ઈત્યાદિ કર્મ પતાવીને સૌભાગ્યવતી સ્ત્રી પતિની દીર્ઘાયુ અને આરોગ્ય માટે દિવસભર નિરાહાર રહેવાનો સંકલ્પ લે છે. આ દિવસે શિવ પરિવાર એટલે કે મહાદેવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની પૂજા, અર્ચના કરે છે. (ૐ શિવાય નમ: પાર્વતી માટે, ૐ નમઃ શિવાય મહાદેવ માટે અને ૐ શુષ્ણુમુખાય નમઃ સ્વામી કાર્તિકેય માટે તેમજ ૐ ગણેશાય નમ: ગણેશજી માટે મંત્રો ઉચ્ચારવામાં આવે છે.) કાળી માટીમાં ખાંડની ચાસણી નાખીને માટીનો ઘડો બનાવવામાં આવે છે અને તેની સ્થાપના કરવામાં આવે છે. કરવામાં (માટીના ઘડામાં) નૈવેદ્ય માટે લાડુ મૂકીને કરવાની પૂજા કરવામાં આવે છે. એક લોટો, એક વસ્ત્ર અને દક્ષિણા અર્પિત કરીને પૂજા સંપન્ન કરવામાં આવે છે. પૂજામાં મૂકેલાં કરવા, વસ્ત્ર સાસુને આપીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. પૂજા કર્યા બાદ કરવાચોથની વાર્તા કરવામાં આવે છે. આ વ્રતના દિવસે સ્ત્રી આખો દિવસ અન્નજળ ગ્રહણ કરતી નથી અને રાત્રે ચંદ્રનાં દર્શન કરીને વ્રતનું સમાપન કરે છે. પછી ભોજન ગ્રહણ કરે છે. સાંજે ચંદ્રમાનો ઉદય થતાં ચંદ્રને અર્ધ્ય આપીને ચંદ્રની પૂજા, અર્ચના કરવામાં આવે છે.
કરવાચોથની કથા
ગામમાં ખૂબ જ સુખી સંપન્ન એક શેઠ રહેતા હતા. તેમને સાત દીકરા અને એક કરવા નામની દીકરી હતી. કરવાને તેના સાતેસાત ભાઈઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. કરવાને જમાડીને પછી જ તેના ભાઈઓ અન્ન ગ્રહણ કરતા. કરવાનું થોડું પણ દુ:ખ તેના ભાઈઓ સહન ન કરી શકતા. કરવા પરણીને સાસરે ચાલી ગઈ. પછી એક દિવસે તે પિયર આવી અને સંજોગવશાત્ ત્યારે કરવાચોથ હતી. સાંજે સાતેય ભાઈઓ વેપાર-ધંધાનાં કામ પતાવીને ઘેર આવ્યા. સાંજનું ભોજન કરવાનો સમય થયો. બધા જ ભોજન કરવા બેઠા, પણ કરવા ભોજન કરવા ન આવી. સાતેય ભાઈઓએ તેને આગ્રહપૂર્વક જમવા બોલાવી, પણ કરવાએ કહ્યું કે મારું આજે વ્રત છે. હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ધ્ય આપીને જમીશ. ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો અને આખા દિવસની ભૂખને લીધે કરવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. તે વ્યાકુળ બની ગઈ હતી. તેના ભાઈઓથી કરવાબહેનની આ હાલત જોઈ ન શકાઈ અને નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ પર દીપક પ્રગટાવીને તેની આગળ ચારણી મૂકીને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડ્યું. નાના ભાઈએ કરવાને આ પ્રતિબિંબ દેખાડ્યું અને કહ્યું કે, `ચંદ્ર ઊગી ગયો છે તમે દર્શન કરીને જમી લો.’ કરવા તો ચંદ્રને જોઈને ખુશ થઈ ગઈ અને ચંદ્રમાનાં દર્શન કરીને તે જમવા બેસી ગઈ, પરંતુ પહેલો કોળિયો લીધો તો તેમાં વાળ આવ્યો. બીજો કોળિયો લેવા ગઈ તો હાથમાંથી પડી ગયો અને જ્યાં ત્રીજો કોળિયો મોંમાં મૂકે ત્યાં તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. આ સમાચાર સાંભળતાં જ તેનાં ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી કે, `તમારા ભાઈએ ઝાડ પર દીપક અને તેની આગળ ચારણી મૂકીને તમને ચંદ્રનો આભાસ કરાવ્યો હતો, ખરા અર્થમાં એ ચંદ્ર ન હતો. તમે વ્રતનો ભંગ કર્યો છે, તેથી જ આવું બન્યું છે.’ ભાભીની આ વાત સાંભળીને કરવાએ નક્કી કર્યું કે હું આખું વર્ષ આ વ્રતનું પ્રાયશ્ચિત કરીશ અને પતિના મૃતદેહની સામે આખું વર્ષ બેસી રહીશ. કરવાએ આખું વર્ષ મહાદેવ અને પાર્વતીની પૂજા-અર્ચના કરી અને મૃતદેહની પાસે આખું વર્ષ બેસી રહી. ફરી કરવાચોથનું વ્રત આવ્યું અને તેણે શ્રદ્ધાભેર આ વ્રત કર્યું. કરવાની આખા વર્ષની સાધનાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેના પતિને જીવતદાન આપ્યું. આ રીતે કરવાચોથના વ્રતનો અનેરો મહિમા છે, જેથી દરેક સ્ત્રી કરવાચોથનું વ્રત મંગલમય કામના સાથે સંપન્ન કરે છે.