- પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલ અને ઊર્જાની કિંમતમાં આવેલા ઉછાળાના લીધે મોંઘવારી વધી છે
- આઇએમએફનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના આર્થિક પ્રદર્શનની સમીક્ષા માટે આવશે
- સમીક્ષા બાદ જ પાકિસ્તાનને આઇએમએફનો 70 કરોડ ડોલરનો હપતો મળી શકશે
આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનામાં મોંઘવારી એના ચરમ પર છે, જેણે દેશના નાગરિકોની કમર ભાગી નાખી છે. હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જાણીતી ફૂડ ચેઇન રેસ્ટોરાંએ પાકિસ્તાનમાં ત્રણ ઇંચની સેન્ડવિચ વેચવા મજબૂર થવું પડયું છે. ઉલ્લેખનીય છે કે અહીં જે ફૂડ ચેઇનની વાત છે તે દુનિયા આખીમાં ક્યાંય ત્રણ ઇંચની સેન્ડવિચ નથી વેચતી પણ પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારીના લીધે તેણે આમ કરવું પડી રહ્યું છે. પાકિસ્તાનમાં નાણાકીય સ્થિતિ એટલી હદે બગડી છે કે દેશમાં મોંઘવારીનો દર સપ્ટેમ્બર મહિનામાં વધીને 31.4 ટકા થઈ ગયો છે, જે ઓગસ્ટમાં 27.4 હતો. હકીકતે પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલ, અને ઊર્જાની કિંમતમાં આવેલા ઉછાળાના લીધે મોંઘવારી વધી છે.
પાકિસ્તાનમાં રૂપિયાના દરમાં ઘટાડો થયો
પાકિસ્તાની રૂપિયાની ઘટતી જતી કિંમતે પણ દેશના નાગરિકોની પરેશાની વધારી છે. જોકે, ઓગસ્ટમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યા બાદ સપ્ટેમ્બરમાં પાકિસ્તાની રૂપિયાની હાલત થોડીક સુધરી છે. પાકિસ્તાનના નાણામંત્રાલયે પોતાના માસિક રિપોર્ટમાં કહ્યું છે કે આગામી થોડા મહિનાઓ સુધી મોંઘવારીનો દર 29-31 ટકાની આસપાસ જ રહેશે અને આવતા વર્ષની શરૂઆતમાં તેમાં થોડી રાહત મળી શકે છે.
આમઆદમીનું જીવન દુષ્કર બન્યું
પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલતના પહેલાંથી જ અહીંની જનતા ત્રસ્ત હતી, હવે વધતી મોંઘવારીએ સંપૂર્ણપણે કમર ભાંગી નાખી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ત્યાંની ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ એલપીજીના ભાવમાં પ્રતિ કિલો 20.86 રૂપિયાનો વધારો કર્યો છે.
ઓક્ટોબરના અંતમાં IMFનું પ્રતિનિધિમંડળ પાક. આવશે
મીડિયા રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાવર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પાકિસ્તાનના આર્થિક પ્રદર્શનની સમીક્ષા માટે આઇએમએફનું પ્રતિનિધિમંડળ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન આવશે. આ દરમિયાન આઇએમએફના પ્રતિનિધિમંડળમાં સામેલ લોકો પાકિસ્તાનની કાર્યવાહક સરકારની સાથે ટેક્સ અને ઊર્જા સહિત જુદાં જુદાં ક્ષેત્રોમાં સુધારણા અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે આર્થિક સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ પાકિસ્તાનને આઇએમએફનો 70 કરોડ ડોલરનો આગામી હપતો મળી શકશે. એઇએમએફએ પાકિસ્તાનને કુલ ત્રણ અબજ ડોલરનું આર્થિક પેકેજ આપવાનું એલાન કર્યું હતું.