એક બહુ જૂની કથા પ્રમાણે યુનાનમાં એક માણસ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક સંતની પાસે પહોંચ્યો. તેણે સંતને પ્રણામ કરીને કહ્યું, `મહાત્માજી, મારા જીવનમાં પ્રકાશ પથરાય એવું કંઈ જ્ઞાન મને આપવાની કૃપા કરો.’
આ સાંભળી સંતે કહ્યું, `ભાઈ, હું તો એક ખૂબ જ સાધારણ વ્યક્તિ છું. હું તને શું જ્ઞાન આપી શકું?’ સંતની આવી વાત સાંભળીને તે માણસ ખૂબ જ આશ્ચર્ય અનુભવવા લાગ્યો.
તેણે કહ્યું, `આવું કેવી રીતે થઈ શકે. મેં તો ઘણી વ્યક્તિઓ પાસે તમારા અને તમારા જ્ઞાન વિશે સાંભળ્યું છે.’
સંતે કહ્યું, `જો તમારે ખરેખર જ્ઞાન મેળવવું હોય તો સુકરાત પાસે જાઓ. તે જ તમને સાચું જ્ઞાન આપી શકશે. તેઓ જ અહીંના સૌથી મોટા જ્ઞાની છે.’
ત્યારબાદ તે માણસ સુકરાત પાસે પહોંચ્યો અને બોલ્યો, `મહાત્માજી, મને એક મહાન સંત પાસેથી જાણવા મળ્યું છે કે તમે સૌથી મોટા જ્ઞાની છો. તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. મારે તમારી પાસે જ્ઞાન મેળવવું છે, માટે મને જ્ઞાન આપવાની કૃપા કરો.’ આ સાંભળીને સુકરાતે હળવું હાસ્ય કર્યું અને પૂછ્યું કે આ વાત તમને કોણે કહી છે. જવાબમાં માણસે તે સંતનું નામ જણાવ્યું અને કહ્યું, `હવે હું તમારા શરણમાં આવ્યો છું. મને ઉદ્ધારનો કોઈ ઉપાય જણાવો.’
આ સાંભળી સુકરાતે જવાબ આપ્યો કે, `તમે એ જ મહાત્માજી પાસે ચાલ્યા જાઓ, જેણે તમને મારી પાસે મોકલ્યા છે. હું તો સાધારણ જ્ઞાની પણ નથી.’
આટલું સાંભળીને તે માણસ ફરીથી સંત પાસે પહોંચ્યો અને સુકરાત સાથે થયેલી બધી જ વાત કહી સંભળાવી. તે માણસની વાતો સાંભળ્યા પછી સંતે કહ્યું, `ભાઈ સુકરાત જેવી વ્યક્તિનું કહેવું છે કે હું તો સાધારણ જ્ઞાની છું તે જ તેના સૌથી મોટા જ્ઞાની હોવાનું પ્રમાણ છે. જેને પોતાના જ્ઞાનનું લેશમાત્ર પણ અભિમાન નથી હોતું તે જ સાચો જ્ઞાની છે.’ જ્ઞાન મેળવવા માટે આવેલા માણસે આ વાતને જ પોતાનો પહેલો પાઠ માની લીધો.