રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ખનની ૧૨ લીઝને અપાઇ લીલીઝંડી
જિલ્લામાં 3૦૧ કેસમાં રૂ.૪૯૧.3૦ લાખની આવક : વર્ષમાં ૧૫.૪૦ કરોડનો દંડ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં ખનીજચોરી રોકવા રાજકોટ જિલ્લામાં ખાસ ફ્લાઈંગ સ્ક્વોડને તૈનાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા જિલ્લામાં રેતી, બ્લેકટ્રેપ, હાર્ડ મોરમ સહિતની ખનીજચોરી રોકવા સતત કાર્યવાહી કરી છેલ્લા એક વર્ષમાં રૂ.4.91 કરોડની ખનીજચોરી ઝડપી લેવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, ખનીજ માફિયાઓ હવે ખનીજ વિભાગને પણ ગાંઠતા ન હોય તેવી સ્થિતિમાં જિલ્લામાં ખનીજ માફિયા વિરુદ્ધ ફરજમાં રુકાવટની ફરિયાદ સાથે ત્રણ કેસમાં સેશન્સ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ખાણ ખનીજ વિભાગ રાજકોટના ભૂસ્તરશાસ્ત્રી જીતેન્દ્ર સાવનેરના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં દરમિયાન ડિસેમ્બર માસના અંત સુધીમાં ગેરકાયદેસર ખનન,વહન અને સંગ્રહ બદલ ખનીજચોરો વિરુદ્ધ કુલ 301 કેસ કરી રૂ.491.30 લાખની આવક થઇ છે. સાથે જ ખનીજચોરી સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ 3 કેસમાં સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી એક કેસમાં સરકારી કામગીરીમાં ફરજ રુકાવટ બદલ ખનીજ માફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જિલ્લામાં રોડ ચેકિંગની સતત કામગીરીને કારણે ગત વર્ષની તુલનાએ આ વર્ષે રૂ.173.64 લાખની વધારે વસૂલાત થયેલ હોવાનું તેમને ઉમેર્યું હતું. વર્ષ 2025માં જિલ્લામાં ખાણકામની કુલ રૂ.1540.75 લાખની આવક થઈ હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખનીજચોરી માટે ખનીજ માફિયાઓનું મજબૂત નેટવર્ક કામ કરે છે. ખાસ કરીને તમામ જિલ્લા કચેરી તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની કચેરીની આજુબાજુ ખનીજ માફિયાઓના સ્પાય એજન્ટો, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ ઉપર નજર રાખી વોટ્સએપ ગ્રૂપમાં સતત વોઇસ મેસેજ આપી તમામ હિલચાલ ઉપર નજર રાખી રહ્યા છે.
ખાણ ખનીજ વિભાગના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ દરમિયાન જુદા જુદા ખનીજની નવી કુલ 12 લીઝ મંજૂર કરવામાં આવી છે જેમાં દિગ્વિજય સિમેન્ટ કંપનીની 64.281 હેક્ટરની લીઝ મંજૂર કરવામાં આવી છે.


