વડોદરા જિલ્લાના પાદરામાં ડમ્પરચાલકની બેફામ ડ્રાઇવિંગના કારણે વધુ એક યુવકનો જીવ ગયો છે. પાદરાની ગોવિંદપુરા પોલીસ ચોકી નજીક આવેલા સરદાર પટેલ સર્કલ પાસે ડમ્પરની અડફેટે એક બાઇકચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક વડોદરાનો રહેવાસી હતો અને તે મોભા ગામ ખાતે માતાજીના માંડવામાંથી દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર ઘટના બની હતી.
સરદાર પટેલ સર્કલ નજીક બની ઘટના
અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવકના મૃતદેહને તાત્કાલિક પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પાદરા વિસ્તારમાં સતત બની રહેલી અકસ્માતની ઘટનાઓ માર્ગ સલામતી માટે લાલબત્તી સમાન છે. પાદરા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


