- લૂંટના ઈરાદે લૂંટારુએ ઘર પાસે કારમાંથી ઊતરતા તેના પર ફાયરિંગ કર્યુ હતું
- મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી
- જેમાં અજાણ્યા ઈસમો ગોળીબાર કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા
અમેરિકામાં દોઢ માસ અગાઉ ફાયરિંગના બનાવમાં નડિયાદનો યુવાન ઉજાસભાઈ ઈજાગ્રસ્ત બન્યો હતો. જે છેલ્લા દોઢ માસથી સારવાર હેઠળ હતો. યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
મુળ નડિયાદના અને વર્ષોથી અમેરિકા સ્થાઈ ગયેલા યુવાન પર અજાણ્યા ઈસમોએ તેના ઘર પાસે જ ગોળીબાર કરીને તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. જે દોઢેક માસથી સારવાર હેઠળ હતા. નડિયાદના વતની શૈલેષભાઈ મેનગરના પુત્ર ઉજાસ છેલ્લાં કેટલાય સમયથી અમેરિકાના નોર્થકોરલીના સ્ટેટ ગ્રીન બોરો સિટીમાં રહેતા હતા. દોઢ માસ અગાઉ ઉજાસભાઈ તેમના ઘર પાસે તેમની કારમાંથી ઉતરતા હતા. જે સમય દરમિયાન એકાએક આવેલા અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લેતા ઉજાસભાઈ સમજે તે પહેલા જ રીવોલ્વરથી ગોળીબાર કર્યો હતો. જે ગોળીબારમાં ઉજાસભાઈના પેટમાં ગોળી વાગી હતી. જે ગોળીબાર બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં અજાણ્યા ઈસમો ગોળીબાર કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગોળીબારમાં ઉજાસભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં લાંબી સારવાર દરમિયાન જીવન મરણ વચ્ચે રહયા હતા. જે સારવાર દરમિયાન ઉજાસભાઈનુ મોત નિપજયુ હતુ. ઉજાસભાઈના મોતના સમાચાર સાંભળતા પરિવારના સદસ્યોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. પરિવારના સદસ્યો તરફથી મળતી માહિતી મુજબ ઉજાસભાઈ એન્જીનીયર હતા. અજાણ્યા ઈસમોએ લુંટના ઈરાદે ગાડીનો પીછો કરીને ઘર સુઘી આવી ગયા હતા. જે ગાડીમાં ઉતરતા હતા. તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનુ જણાવ્યુ હતુ.


