- ધાર્મિક કાર્ય પહેલા જ યુવકનું પ્રાણ પંખીડું પ્રભુને પ્યારું થઈ ગયું
- ખેરાલુ પોલીસે ડાલાના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી
- અકસ્માત બાદ ડાલાનો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઇ ગયો હતો
ખેરાલુની ગોકુલધામ સોસાયટીના નાકે જ એક પીકઅપ ડાલા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડાલાની ટકકરે મોપેડ ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ખેરાલુ પોલીસે ડાલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.ખેરાલુમાં ડાલાની ટકકરે એક મોપેડ ચાલક યુવકે જીવ ગુમાવ્યો હતો. જે મામલે મૃતકના ભાઈ ફરિયાદી પંકજભાઈ લીંબચીયાની ફરિયાદ મુજબ તાલુકાના ડભોડા ગામે રહેતા તેમના ભાઈ રાજેશભાઇ અંબાલાલ વાળંદ દર મંગળવારે ખેરાલુના ગોકુલધામ સોસાયટીમાં પોતાના મકાને દિવાબત્તી કરવા આવતા હતા. જેઓ તા. 30મીએ પણ મંગળવાર હોઈ મોપેડ લઈને ડભોડાથી ખેરાલુ આવવા નીકળ્યા હતા. જ્યાં તેઓ ગોકુલધામ નજીક પહોંચતા જ હિરવાણી રોડ તરફ્ થી આવતા એક પીકઅપ ડાલાના ચાલકે તેમના મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રાજેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર હેઠળ ખસેડી અકસ્માતની જાણ ફરિયાદી ને કરી હતી. જેથી ફરિયાદી દવાખાને પહોંચતા ત્યાં હાજર તબીબે ઈજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કર્યા હતો. અકસ્માત બાદ ડાલાનો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માત મામલે ફરિયાદી દ્વારા GJ-24-x-3198 નંબરના ડાલાના ચાલક વિરુદ્ધ ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


