- યુનિક હોસ્પિટલ પાસે સર્જાયો અકસ્માત
- મૃતક રાજકિશોર મૂળ બિહારનો વતની
- રોજગારી માટે યુવક સુરત આવ્યો હતો
સુરતમાં BRTS બસે યુવકનો ભોગ લીધો છે. જેમાં BRTSએ અડફેટે લેતા એક યુવકનું મોત થયુ છે. યુનિક હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં મૃતક રાજકિશોર મૂળ બિહારનો વતની છે. તેમજ રોજગારી માટે યુવક સુરત આવ્યો હતો.
યુવાન ખટોદરા વિસ્તારમાં નોકરી કરતો હતો
યુવાન ખટોદરા વિસ્તારમાં નોકરી કરતો હતો. જેમાં દિવાળીની રજા હોવાથી ચા નાસ્તો કરવા નીકળ્યો હતો. ત્યારે BRTS બસે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. તેથી યુવાનના પરિવારની સાથે સાથે મિત્રોમાં પણ શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં BRTS બસ બેફામ રીતે દોડી રહી છે અને અવાર નવાર અકસ્માત સર્જી રહી છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં જ બીઆરટીએસ બસ અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉન પાટિયા પાસે BRTS બસે સર્જ્યો અકસ્માત
અગાઉ ઉન પાટિયા વિસ્તારમાં BRTS બસે રોડ ક્રોસ કરતા યુવકને બસે ઉડાવ્યો હતો. સુરતની બ્લુ બસે અકસ્માત સર્જ્યા બાદ લોકોએ બસને ઉભી રખાવી હતી અને ડ્રાઇવરને પકડીને જાહેરમાં માર માર્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોએ બસના કાચ પણ તોડી નાખ્યા હતા અને બસને નુકસાન કર્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઇ હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


