- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
- આકાશે એક ઓવરમાં બે મોટી વિકેટ ઝડપી
- આકાશ દીપે પ્રથમ સેશનમાં 3 મોટી વિકેટ ઝડપી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આકાશ દીપની શાનદાર બોલિંગ જોવા મળી હતી. આકાશ દીપે એક જ ઓવરમાં ઈંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓને આઉટ કર્યા હતા. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ બેકફૂટ પર ધકેલાઈ હતી. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થયા બાદ બિહારના લાલ આકાશ દીપને ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. પોતાની પહેલી જ મેચમાં આકાશે ઈંગ્લેન્ડ સામે પોતાની બોલિંગથી એવી ગર્જના કરી હતી કે હવે આખી દુનિયામાં તેનો પડઘો પડવા લાગ્યો છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર આકાશ દીપ વિશેની પોસ્ટ શેર કરી રહ્યા છે.
આકાશ દીપ શમીનું વર્ઝન 2.0
રાંચી ટેસ્ટના પહેલા દિવસે તેની પ્રથમ 6 ઓવરમાં જ આકાશ દીપે પ્રથમ સેશનમાં 3 મોટી વિકેટ ઝડપી હતી. જે બાદ આકાશ દીપ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. જ્યારે ચાહકોએ આકાશ દીપ વિશે પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું, ત્યારે ઘણા ચાહકોએ આકાશ વિશે ખૂબ જ રમુજી ટિપ્પણીઓ પણ કરી હતી. આ દરમિયાન એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે ટીમને આકાશ દીપના રૂપમાં શમી 2.0 મળ્યો. અન્ય એક યુઝરે લખ્યું, આકાશ દીપનું અતુલ્ય પહેલું પ્રદર્શન. અન્ય એક યુઝરે લખ્યું કે, ઈંગ્લેન્ડ બુમરાહ અને સિરાજની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આકાશ સિલેબસ બહારનો પ્રશ્ન.
એક ઓવરમાં બે મોટી વિકેટ ઝડપી
આકાશ દીપ તેની પહેલી જ ઓવરથી જ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેને જોઈને લાગતું ન હતું કે તે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. જો કે આકાશે કેટલાક નો-બોલ ફેંક્યા પણ ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. પહેલા નો-બોલ પર આકાશે જેક ક્રોલીની વિકેટ ઉખાડી નાખી હતી પરંતુ નો-બોલને કારણે તે આ વિકેટ મેળવી શક્યો નહોતો.
જે બાદ આકાશ દીપે શાનદાર વાપસી કરી અને એક જ ઓવરમાં બેન ડકેટ અને ઓલી પોપના રૂપમાં ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા. આ પછી આકાશ દીપે તેની આગલી જ ઓવરમાં ત્રીજી સફળતા મેળવી હતી. આકાશે જેક ક્રોલીના રૂપમાં ઈંગ્લેન્ડને ત્રીજો મોટો ઝટકો આપ્યો હતો.


