- ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની 16-12થી જીત
- કુલદીપ ધલોરે હાઈકોર્ટમાં ચૂંટણી રદ કરવાની માંગ કરી
- હાઈકોર્ટ કેસની આગામી સુનાવણી 26 ફેબ્રુઆરીએ કરશે
આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર કુલદીપ ધલોર ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હાર સ્વીકારી શકતા નથી. તેમણે આ ચૂંટણીને ફગાવવા માટે પહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હવે ધલોરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મતદાન પ્રક્રિયામાં અપ્રમાણિકતાનો આરોપ લગાવતા કુલદીપ ધલોરે અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. બુધવારે હાઈકોર્ટે ભાજપના નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકરની જીત પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી ધલોરે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજી દાખલ કરી હતી.
આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ પહોંચી
પંજાબના સીએમ ભગવંત માને બુધવારે કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આ છેતરપિંડી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. તેમણે એમ પણ કહ્યું કે ચંદીગઢ મેયરની ચૂંટણી લોકશાહીની હત્યાનું ઉદાહરણ છે. મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રિટર્નિંગ ઓફિસરે આમ અને કોંગ્રેસ ગઠબંધનના 8 કાઉન્સિલરોના મત અમાન્ય ઠેરવ્યા હતા. જે બાદ ભાજપના મેયર ઉમેદવાર મનોજ સોનકરે 16-12થી જીત મેળવી હતી.
ભાજપ પર છેતરપિંડીનો આરોપ
બીજી તરફ પંજાબના સીએમ ભગવંત માને આ મામલે ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે 30 જાન્યુઆરી લોકશાહી માટે કાળો દિવસ છે. ભગવંત માને કહ્યું કે તેઓ આ મામલે ચૂપ રહેવાના નથી. પાર્ટી સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખટખટાવશે. સુપ્રીમ કોર્ટ પહેલા બુધવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં મેયર ચૂંટણીમાં ધાંધલ ધમાલ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેના પર હાઈકોર્ટે ચંદીગઢ પ્રશાસનને ત્રણ અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 26 ફેબ્રુઆરીએ થશે.
યુથ કોંગ્રેસે મેયર કાર્યાલય બહાર દેખાવો કર્યા હતા
આ દરમિયાન યુથ કોંગ્રેસના સભ્યોએ ચંદીગઢમાં મેયરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અને AAPના કાઉન્સિલરો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભ્રષ્ટાચાર બંધ કરોના નારા પણ લગાવ્યા હતા. થોડા સમય બાદ પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.


