અમેરિકાએ કેરિબિયન સમુદ્રમાં વેનેઝુએલા સામે સૈન્ય નાકાબંધી કરી છે. અમેરિકાએ વેનેઝુએલાના તેલને નિશાન બનાવ્યું છે, જેના કારણે તેના તેલ વેપારમાં ભારે નુકસાન થયું છે. આ વચ્ચે વેનેઝુએલાની મદદ માટે રશિયા અને ચીન આગળ આવ્યા છે. પહેલા ચીને કહ્યું હતું કે વેનેઝુએલા સામે અમેરિકાની મનમાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનો ગંભીર ભંગ છે અને હવે રશિયાએ પણ વેનેઝુએલા પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
રશિયા અને ચીનના આ સમર્થનથી નારાજ ટ્રમ્પે વેનેઝુએલા સરકારને ફરી એકવાર નિશાન બનાવી છે. તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ધમકી આપતા કહ્યું છે કે જો તેઓ સત્તા નહીં છોડે તો અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલું વેનેઝુએલાનું આખું ઓઇલ વેચી નાખવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે માદુરો માટે સમજદારી એ જ છે કે તેઓ સત્તાથી હટી જાય, નહીં તો અમેરિકા તાજેતરમાં વેનેઝુએલાના તટ પરથી જપ્ત કરેલું બધું ઓઇલ વેચી દેશે.
વેનેઝુએલા સાથે એકજૂટતાથી ઊભું છે રશિયા
રશિયન વિદેશ મંત્રાલયે માહિતી આપતાં જણાવ્યું કે રશિયા વેનેઝુએલા સાથે એકજૂટતાથી ઊભું છે. સપ્ટેમ્બરથી અમેરિકાએ આ વિસ્તારમાં ઘણા નૌસેનાના જહાજો તૈનાત કર્યા છે. અમેરિકાનો દાવો છે કે તેના જહાજો વેનેઝુએલા સરકારના સમર્થનથી ડ્રગ્સની તસ્કરીમાં સામેલ જહાજો સામે કાર્યવાહી કરી રહ્યા છે અને દેશમાં આવનારા-જતાં તેલ ટેન્કરોને રોકી રહ્યા છે. જોકે વેનેઝુએલાએ આ આરોપોને સતત નકારી કાઢ્યા છે. તેનું કહેવું છે કે અમેરિકા તેલ અને અન્ય કુદરતી સંસાધનો સુધી પહોંચવા માટે વેનેઝુએલામાં સત્તા પરિવર્તનનું ષડયંત્ર રચી રહ્યુ છે.
વેનેઝુએલા સાથે બે શક્તિશાળી દેશો
આ સમયે વેનેઝુએલા સાથે દુનિયાના બે શક્તિશાળી દેશો ઊભા દેખાઈ રહ્યા છે. સોમવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તેમના વેનેઝુએલાઈ સમકક્ષ ઇવાન ગિલ સાથે ફોન પર વાતચીત કરી હતી. રશિયન વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, લાવરોવે “કેરિબિયન સમુદ્રમાં અમેરિકાની સતત વધતી ઉશ્કેરણીજનક કાર્યવાહી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અમેરિકાનું સૈન્ય જમાવડો સમગ્ર વિસ્તારમાં દૂરગામી પરિણામો લાવી શકે છે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી આવાગમન માટે જોખમ ઊભું કરી શકે છે.


