- હિંસાને પગલે સમગ્ર દેશમાં સજ્જડ કરફ્યૂ, ઢાકામાં સેનાનું પેટ્રોલિંગ
- બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા ચાર હજાર વિદ્યાર્થીઓ સાથે ભારતીય હાઇકમિશન સંપર્કમાં
- બાંગ્લાદેશથી 778 ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસાને જોતા શનિવારે પોલીસે સમગ્ર દેશમાં સજ્જડ સંચારબંધી લાદી દીધી છે અને સૈન્ય દળોએ રાજધાની ઢાકાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કયુંર્ હતું. બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને કારણે સંખ્યાબંધ લોકોનાં મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘવાયા છે. મૃતકોની સંખ્યાની પુષ્ટિ માટે હજુ સુધી અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો પરંતુ અખબારી અહેવાલો અનુસાર મંગળવારથી હજુ સુધીમાં દેશમાં થયેલી હિંસામાં 115 જેટલા લોકોનાં મોત થયા છે. દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશથી 778 ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે અને હજુ સુધીમાં કુલ 998 વિદ્યાર્થી ભારત પાછા આવી ચૂક્યા છે. મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં વધુમાં કહેવાયું હતું કે ભારતીય હાઇકમિશન અને અમારા સહાયક હાઇકમિશન બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ચાર હજાર કરતા વધારે વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. સાથે જ તેમને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.
વિદેશી નાગરિકો પણ ભારત પહોંચ્યા :
નેપાળ અને ભુતાનના 360 નાગરિકો પણ મેઘાલય પહોંચ્યા છે, જેના કારણે હિંસા બાદ મેઘાલયમાં શરણ લેનારા લોકોની સંખ્યા 670 કરતા વધારે થઈ ગઈ છે ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓના અનુસાર શુક્રવારે 363 લોકો દાવકી ઇન્ટિગ્રેટેડ તપાસ ચોકી મારફત મેઘાલય પહોંચ્યા હતા જેમાં 204 ભારતીય, 158 નેપાળી અને એક ભુતાની નાગરિક સામેલ હતા.


