- મહોલ્લા ક્લિનિકમાં ખોટી રીતે અને નકલી ટેસ્ટ કરાવાતા હતા
- ACBની તપાસમાં બે ખાનગી ડાયગ્નોસ્ટિક લેબની ઊંડી સાઠગાંઠની જાણકારી મળી
- બે લેબોરેટરીઝને દિલ્હી સરકારે રૂ. 4.63 કરોડ ચૂકવ્યા
દિલ્હીમાં કેજરીવાલ સરકારની મોહલ્લા ક્લિનિકો પર લાગેલા કૌભાંડના આરોપો વચ્ચે એસીબીની તપાસમાં ઘણા ભાંડા ફૂટયા છે. આ ક્લિનિક્સમાં કરવામાં આવેલ જાલી લેબ ટેસ્ટની એસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે આશરે 65,000 ભૂતિયા ગ્રાહકોનો લેબ ટેસ્ટ દેખાડવામાં આવ્યો હતો. આ તપાસમાં દિલ્હી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ બે ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ- એગિલસ ડાયગ્નોસ્ટિક્સ અને મેટ્રોપોલિસ હેલ્થકેરની ઊંડી સાઠગાંઠની જાણકારી મળી હતી. એસીબીના સૂત્રોએ દાવો કર્યો હતો કે તેમને દિલ્હી સરકારના મુખ્ય ક્લિનિકોના માધ્યમથી ભૂતિયા દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના પાકા પુરાવા મળ્યા છે. જો કે હજુ સુધી દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી પણ એસીબીના સૂત્રો પાસે ઉપલબ્ધ પુરાવા સાથેનો રિપોર્ટ જાલી ટેસ્ટ કરવામાં આવતા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
બે લેબોરેટરીઝને દિલ્હી સરકારે રૂ. 4.63 કરોડ ચૂકવ્યા
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ફેબ્રુઆરી 2023થી ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન ઉપરોક્ત બે લેબોરેટરીઝ દ્વારા લગભગ 22 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના માટે દિલ્હી સરકાર દ્વારા તેમને રૂ. 4.63 કરોડની ચુકવણી પણ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર 22 લાખમાંથી 65,000થી વધારે ટેસ્ટ એકદમ ખોટા હતાં અથવા તો તેમાં હેરફેર કરવામાં આવી હતી. આ દરેક ટેસ્ટ માટે સરકાર પાસેથી રૂ. 100થી લઈને રૂ. 300ની ફી વસૂલવામાં આવી હતી. તપાસ દરમિયાન એમ પણ જાણવા મળ્યું હતું કે જે લોકોના મોબાઇલ નંબર નાખવામાં આવ્યા હતાં તેમાના 63 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ ટેસ્ટ પણ કરાવ્યો ન હતો અથવા તો મહોલ્લા ક્લિનિક પર પણ ગયા ન હતાં.


