જગજાહેર થઈ ચૂક્યું છે કે ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન નહીં કરવા રાજકીય ભલામણથી કટકી કરી બધું ભંડારી દેવાયું હતું ત્યારે સાગઠીયા ને કેટલી રકમ લીધી તે યાદ નથી : તપાસ માત્ર નર્યું નાટક, છ દિવસ સાગઠીયા એસીબીના કબજામાં હતો છતાં કોઈ રાજકીય નેતા બિલ્ડરના નામ ઓકાવી શકી નથી
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપીની ભૂમિકામાં રહેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા હજુ બે દિવસ પૂર્વે જ જેલહવાલે કરાયા છે. ત્યારે છ દિવસ એસીબીના રિમાન્ડ હેઠળ રહેલા સાગઠીયા પાસે એસીબીના અધિકારીઓ કે સીટના અધિકારીઓ રાજકીય મામલે એક શબ્દ પણ ઓળકાવી શકયા નથી અને હવે કહે છે કે સાગઠીયાનું રાજકીય કનેક્શન ભેદવા માટે જેલમાં જઈને પૂછપરછ થશે. આ બાબતતો દળી દળીને ઘંટીમાં નાખવા જેવી છે. આ ઉપરાંત એસીબીએ કોઈ બિલ્ડરો કે આર્કિટેકના નામ પણ જાહેર કર્યા નથી. તેના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે એસીબી કે એસીબી દ્વારા રચવામાં આવેલી સીટની તપાસ માત્ર એક નર્યું નાટક છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ લાગેલી વિકરાળ આગમાં 27 નિર્દોષ લોકો બળીને ભડથું થઈ ગયા હતા આ ગોઝારી દુર્ઘટના પાછળ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો અને તેના કારણે જ આ નિર્દોષ 27 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જેથી સરકારના આદેશ મુજબ રચાયેલી તપાસ કમિટી દ્વારા તપાસના અંતે મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને આ ઘટના મામલે મુખ્ય આરોપી દર્શાવી તપાસ નો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરી દેવાયો છે. પરંતુ કહેવાય છે કે, સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાજકીય ટેકા વગર એક જ જગ્યાએ અડીખમ રહી શકતા નથી. તો આ પૂર્વ ટીપીઓ સાગઠીયા ઉપર એવા કયા રાજકીય માથાઓના બે નહીં પરંતુ ચાર ચાર હાથ હતા કે ઇન્ચાર્જ તરીકે વર્ષોથી એક ને એક જગ્યા પર ચીપકી રહી ભ્રષ્ટાચાર નો અજગર ભરડો લઈ લીધો હતો અને પોતાના માટે કરોડોનું સામ્રાજ્ય ખડકી દીધું હતું.
અગાઉ એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન કરવા માટે ટીપી શાખાએ નોટિસ જાહેર કર્યાબાદ આ ડિમોલિશન અટકાવવા માટે રાજકીય ભલામણથી મોટો વહીવટ કરી ડીમોલિશનને અટકાવી દેવાયું હતું અને તમામ ગેરરીતિઓને ભો ભીતર કરી દેવાઇ હતી. આ જાહેરાત બાદ એક રાજકીય નેતા જાહેરમાં આવ્યા હતા અને તેણે કબૂલ્યું હતું કે તેમણે ભલામણ કરી હતી અને મોટી રકમનો વહીવટ કરી આ સમગ્ર પ્રકરણ સંકેલી દેવાયું હતું. છતાં આજદિન સુધી આ રાજકીય નેતાનો વાળ પણ વાંકો થયો નથી.
અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ સાગઠીયાની ધરપકડ કરી તપાસ કરતા 18 કરોડનો દલ્લો મળી આવ્યો હતો તેના આધારે છ દિવસની રિમાન્ડ મેળવાઈ હતી પરંતુ આ છ દિવસ દરમિયાન એસીબીએ શું કર્યું તે ભગવાન જાણે. પરંતુ રોજબરોજ નવા ફણગાઓ ફૂટી રહ્યા છે કે જે ભૂતકાળમાં જાહેર થઈ ચૂક્યા છે. આજે એસીબી દ્વારા એવી જાહેરાત થઈ છે કે સાગઠીયાનુ રાજકીય કનેક્શન ભેદવા માટે એસીબી દ્વારા રચાયેલી સીટ જેલમાં જઈને સાગઠીયાની પૂછપરછ કરશે તો આ બાબત કેટલી અંશે વ્યાજબી ગણાય.? તેઓ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. કારણ કે એસીબી એવી વાત કરે છે કે, “અલગ અલગ પકવાનો સાથેની તૈયાર થાળી હાથમાં હતી પરંતુ કોળિયો મો સુધી પહોંચ્યો નહીં”
આ ઉપરાંત એસીબી દ્વારા આજ દિન સુધી એવું પણ જાહેર નથી કરાયું કે ફલાણા બિલ્ડર સાથે તેની સાઠગાઠ હતી કે, ફલાણા આર્કિટેક સાથે તેમનો ઘરોબો હતો. આથી લોક મુખે જોરશોરથી એવી ચર્ચા થઈ રહી છે કે, સાગઠીયા સામેની એસીબીની તપાસ માત્ર નર્યું નાટક છે. કારણ કે આજ સાગઠીયા વિરુદ્ધ આજ કચેરી અને આજ અધિકારીઓ સમક્ષ એસીબીના ભ્રષ્ટાચારની લેખિત ફરિયાદો કરવામાં આવી હતી છતાં આ તપાસ એજન્સીએ અરજીઓ ઉપર ધ્યાન દીધું ન હતું અને અરજીઓને કચરા ટોપલીમાં ફેંકી દીધી હતી. જ્યારે 27 લોકો મોતના મુખમાં ધકેલાયા અને સાગઠીયાનું નામ બહાર આવ્યું ત્યારે આ જ એજન્સી હવે સાગઠીયા પાસે રાજકીય અને બિલ્ડરના કનેક્શનનો ભેદવા માટે ઉતરી પડી છે. આ અધિકારીઓ સ્પષ્ટ રીતે જાણે છે કે સાગઠીયા પાછળ કયા માથાઓ સંડોવાયેલા છે.હવે જોવાનું કે એસીબીએ કરેલી તપાસ અને એસીબી સીટ દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા વિરુદ્ધ શું ઉકાળવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં શું ઉકાળવામાં આવશે.?