– કઠોળ તથા તેલીબિયાંની વાવણીમાં વધારો: ઘઉંમાં હજુ ઘટ
Updated: Nov 5th, 2023
મુંબઈ : શિયાળાની ઋતુના પ્રારંભ સાથે દેશમાં રવી વાવેતરમાં ગતિ આવી રહી છે. કઠોળ તથા તેલીબિયાંના વાવેતરમા ંગયા વર્ષની સરખામણીએ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ઘઉંની વાવણી ધીમી ગતિએ આગળ વધી રહી છે.
કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ૩ નવેમ્બર સુધીમાં દેશમાં કુલ ૧.૨૦ કરોડ હેકટર વિસ્તાર પર રવી પાક લેવાયો છે, જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ચાર ટકા વધુ છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં કઠોળ તથા તેલીબિયાંની વાવણી અનુક્રમે ૧.૩૦ ટકા અને ૯ ટકા વધીને ૩૮ લાખ તથા ૪૭ લાખ હેકટર રહી છે. સરસવનો વાવેતર વિસ્તાર ૧૧.૬૬ ટકા વધી ૪૫.૭૦ લાખ હેકટર વિસ્તાર રહ્યો છે.
કઠોળમાં ચણા, અડદ તથા મગમાં ઘટ જોવા મળી રહી છે, જ્યારે વટાણા, મસુરમાં સાધારણ વધારો જોવા મળી રહ્યો છે.
ઘઉં જે મુખ્ય રવી પાક છે તેની વાવણી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૨ ટકા ઘટીને ૧૮ લાખ હેકટર રહી છે. સંપૂર્ણ વર્ષમાં ઘઉંનો વાવેતર વિસ્તાર ૩.૦૭ કરોડ હેકટર રહેવા અપેક્ષા છે. જુવાર તથા બાજરા જેવા કડધાન્યની વાવણી જે ગયા વર્ષે આ ગાળામાં ૪.૩૦ લાખ હેકટર રહી હતી તે વધીને ૬.૪૦ લાખ હેકટર વિસ્તાર થઈ છે. રવી વાવણી ડીસેમ્બરના અંત સુધી ચાલતી હોવાથી રવી વાવેતર વિસ્તારનો એકંદર અંદાજ મેળવવાનું મુશકેલ છે.
૨૦૨૨-૨૩માં ૧૧.૦૫ કરોડ ટનના અંદાજ સામે ૨૦૨૩-૨૪માં સરકારે ઘઉંના ઉત્પાદનનો ટાર્ગેટ ૧૧.૪૦ કરોડ ટન મૂકયો છે. જુલાઈથી જૂન (૨૦૨૩-૨૪)ના ક્રોપ યરમાં દેશમાં અનાજનો કુલ ઉત્પાદન અંદાજ ૩૩.૨૦ કરોડ ટન મુકાયો છે જેમાંથી ૧૬.૧૨ કરોડ ટન રવી ઉત્પાદન રહેશે.
આયાત નિર્ભરતા ઘટાડવા સરકારે ચણા તથા તેલીબિયાં ખાસ કરીને સરસવનું ઉત્પાદન વધારવાનો ટાર્ગેટ મૂકયો છે.