વિધાનસભાની ચૂંટણીમાં ચીમકી આપતા બાહેંધરી અપાઇ હતી પરંતુ પાણીની તંગી યથાવત રહેતા મહિલાઓ રણચંડી બની
મોટા મવાની ૨૫ જેટલી સોસાયટીઓમાં પાણીની તંગીની સમસ્યા હલ કરવામાં મનપા તંત્ર પાછુ પડતા લોકસભાની ચૂંટણી ટાણે જ આ ૨૫ સોસાયટીની મહિલાઓ રણચંડી બની માટલા સરઘસ કાઢયું હતું. તેમજ રસ્તા પર ચક્કાજામ કરી તેમનો રોષ વ્યકત કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીઓ મનપામાં ભળી ગઇ છે. તેમની પાસેથી મનપા ટેકસ ઉઘરાવે છે છતાં પાયાની સુવિધાઓ આપતી નથી તેથી ખાસ કરીને મહિલાઓમાં લોકરોષ વ્યાપી ગયો છે.
મોટામવા ગામની ૨૫થી વધુ સોસાયટીની મહિલાઓએ રવિવારે કાલાવડ રોડ પર ચક્કાજામ કર્યો હતો માટલાં ફોડયા હતા. જેથી ટ્રાફિકજામ થતાં મનપા અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાણીની લાઈન ન હોવાથી ટેન્કર મગાવવા પડે છે અને પાણીની અત્યારથી જ ભારે તંગી થઈ રહી છે. આ ઉપરાંત રોડની હાલત એટલી બિસ્માર છે કે ફેરિયાઓ પણ તેમના વિસ્તારમાં આવી શકતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇપણ પરિણામ આવતું નથી. વિધાનસભાની ચૂંટણી વખતે વિસ્તારવાસીઓએ મતદાનના બહિષ્કારની ચેતવણી આપી હતી તે સમયે આગેવાનોએ આવીને બાંહેધરી આપી હતી કે, સુવિધા મળશે પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને રોડ-રસ્તા બંધ કર્યા છે. સોસાયટીના રહેવાસીઓને ૧૦ વર્ષથી પ્રાથમિક સુવિધા મળતી નથી. રૂડામાં પણ રજૂઆતો કરી થાક્યા હતા. જ્યારે વિસ્તાર મનપામાં ભળ્યો ત્યારે આશા જાગી હતી અને તેથી જ તુરંત જ મનપાના વેરા ભરી દેવાયા હતા અને હજુ પણ નિયમિત ભરવામાં આવે છે. પણ, મનપા હજુ સુધી કોઈ સુવિધા આપી શકી નથી.
મોટામવાની સ્થિતિ અંગે મનપાએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવા માટે ટેન્ડર કરાયા હતા અને 47 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડર મંજૂર થયું છે અને વર્કઓર્ડર પણ આપી દેવાયા છે. ટૂંક સમયમાં કામ ચાલુ થશે અને વર્ષના અંત સુધીમાં પાઈપલાઈન બિછાવી દેવાશે. એક વખત પાઈપ બિછાવાય જાય ત્યારબાદ જ રોડનું કામ ચાલુ થઈ શકે તેમ છે. આ ગણતરી જોતા મોટામવા વિસ્તારના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ માટે હજુ દોઢ વર્ષ જેટલી રાહ જોવાની થશે તેવું લાગી રહ્યું છે.


