- ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ
શ્રીવલ્લભ (મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના કાંકરવાડ ગામમાં હતી. તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ જાતે તૈલંગ બ્રાહ્મણ હતા. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ ખૂબ જ શ્રદ્ધાળુ અને વિદ્વાન હતા. તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યાં હતા. એમ કહેવાય છે કે બત્રીસમા સોમયજ્ઞની પૂર્ણાહુતિના સમયે સાક્ષાત્ ભગવાને પ્રગટ થઇ તેમને વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ત્યાં જન્મ લઇશ. તેમના પુત્ર ગંગાધર ભટ્ટે અઠ્ઠાવીસ સોમયજ્ઞ કર્યાં હતા. પુત્ર ગણપતિ ભટ્ટે અને વલ્લભ ભટ્ટે ત્રીસ સોમયજ્ઞ અને પુત્ર લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યાં હતા. આમ, લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા. ભગવાને આપેલું વરદાન કદી મિથ્યા થાય નહીં અને તેથી સો સોમયજ્ઞ પરિપૂર્ણ થતાંની સાથે જ ચંપારણ્ય ગામની પાવનભૂમિ ૫2 2હેતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાગારૂજીને ત્યાં વિ.સં. 1535ના ચૈત્ર વદ-11 ને વરુથિની એકાદશીના શુભ દિને શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું.
સૌ ગોલોકવાસીઓએ ભટ્ટજીને બાળસ્વરૂપે પ્રગટેલા વલ્લભના જન્મની વધાઈ આપીને મુક્તપણે નાચગાન અને રંગવિહાર કરીને પ્રાક્ટ્યોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવ્યો. સુવર્ણ 2મકડાંથી સુશોભિત તથા રત્ન માણેકથી વિભૂષિત આ દૈવી પારણામાં પોઢેલા બાળ વલ્લભનું મુખારવિંદ એટલું તેજવંત અને દેદીપ્યમાન હતું કે પારણાં આગળથી ખસવાનું કોઇને મન જ નહોતું થતું. સૌ અનિમેષ નજરે આ અલૌકિક બાળસ્વરૂપને નિરખી રહ્યા હતા. આ લાડીલા લાલાની જન્મકુંડળીમાં સૂર્ય ઉચ્ચનો, ચંદ્ર સાતમા સ્થાને અને દશમા સ્થાને બિરાજેલા ગુરુ અત્યંત પ્રબળ હોવાથી મહાન જ્યોતિષીઓના કથન અનુસાર ફલિતાર્થ એ નીકળે છે કે આ બાળક ભગવદ્ સ્વરૂપના અવતારે, પ્રભુનિર્મિત દિવ્ય કર્મો પરિપૂર્ણ કરવાના શુભ આશયથી જ આવિર્ભૂત થયું છે. બાળ મહાપ્રભુજી ફળિયામાં ઘૂંટણભેર ચાલવા લાગ્યા ત્યારે ચરણમાં દિવ્ય પ્રાગટ્ય સૂચવતી 16 દિવ્ય નિશાનીઓ તથા મુખમાં વ્રજમંડળનાં દર્શન માતા ઇલ્લમાગારૂજીને થયાં. બાળપ્રભુ સૌનો પ્રિય અને વહાલો હોવાથી નામકરણ વિધિમાં તેમનું નામ વલ્લભ રાખવામાં આવ્યું. દૈવનામ કૃષ્ણપ્રસાદ, માસનામ જનાર્દન અને નક્ષત્ર નામ શ્રાવિષ્ટ રાખ્યું, પરંતુ લોકપ્રસિદ્ધ નામ `વલ્લભ’થી જ જાણીતા થયા. વલ્લભ પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતા તેમને કાશી લઇ ગયા અને ત્યાં જ તેમને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને માધવેન્દ્રપુરીની પાસે વિદ્યાભ્યાસ કરવા મૂક્યા. એક વાર માધવેન્દ્રપુરી વ્રજયાત્રા કરવા ગયા અને ત્યાં જ દેહત્યાગ થઇ જવાથી વલ્લભનો વિદ્યાભ્યાસ અધૂરો રહી ગયો. એ અભ્યાસ પૂર્ણ કરવા માટે તેઓ સ્વામી માધવતીર્થ પાસે ગયા. તેમની પાસે થોડો અભ્યાસ કરી દક્ષિણમાં આવ્યા. ત્યાં ત્રણ વર્ષ સુધી મિમાંસાદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એ સમયમાં જ પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટનો ગોલોકવાસ થયો. માતાની આજ્ઞા લઇને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં વર્ષો વ્યતીત થયાં છે. તીર્થ વિચરણમાં જ તેઓએ દામોદર હરસાની અને કૃષ્ણદાસ મેઘનને શિષ્યો બનાવ્યા. બંને શિષ્યો સાથે ફરતાં ફરતાં તેઓ ઝારખંડ પહોંચ્યા. ત્યાંથી તેઓ વ્રજધામમાં જઇને ગોવિંદઘાટ પર રહ્યા. સંવત 1549ના શ્રાવણ સુદ-11 વલ્લભે ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ કર્યો. આવા સમયે ઠકુરાણી ઘાટ ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યાં. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ અને તેના બધા જ દોષો દૂર કરીશ. આમ કહી શ્રીનાથજી પ્રભુ મહાપ્રભુજીને ભેટ્યા. શ્રીવલ્લભ જ્યાં જ્યાં પધારી પ્રભુબોધ આપતા તે ભૂમિ સમય જતાં મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. સમગ્ર ભારતખંડમાં આવી 84 બેઠકજી છે. જે વૈષ્ણવ સંપ્રદાય માટે છોટું વ્રજ ગણાય છે. જે બેઠકમાં આજે ઝારીજી ભરવામાં આવે છે. ઝારીજી ભરવા પાછળની ભાવના કૃષ્ણના વિરહરસને દૂર કરવા માટે ગોપીહૃદયની મધુર કામના છે.
પુષ્ટિમાર્ગમાં પ્રભુજી માને છે કે જીવ ઈશ્વર સ્વરૂપ નથી પરંતુ ઈશ્વરનો એક અંશ છે. સંસારમાં હું કરું છું એ મમતા છે. સંસાર ભલે મિથ્યા હોય બધું પ્રભુની ઇચ્છાથી થાય છે. જીવ પોતાનું કશું નથી બધું ભગવાનનું છે. માયા ભગવાનની શક્તિ છે. માયાના આવરણને કારણે ભગવદ્ સ્વરૂપનાં દર્શન કરી શકાતાં નથી. પુષ્ટિજીવો ભગવાનના શ્રી અંગમાંથી પ્રકટ થયા છે. પ્રભુની તેમના પર સદાય કૃપા રહે છે.
નિઃસાધનતાનો માર્ગ જ્ઞાન સામર્થ્ય ધન વગેરે પ્રભુને રીઝવી શકતા નથી. પ્રભુ કેવળ દીનતા અને નિઃસ્વાર્થ ભાવથી જ પ્રસન્ન થાય છે. બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ તેનાં દ્વાર ખોલી નાખે છે. જીવને પ્રભુ પોતાનો બનાવી દે છે. તેના યોગક્ષેમની જવાબદારી ઠાકોરજી સ્વયં ઉપાડી લે છે તેને કોઇ માગણી કરવાની હોતી નથી. બ્રહ્મસંબંધ ઠાકોરજીએ આપેલો સિદ્ધ મંત્ર છે. બ્રહ્મ+સંબંધ ઠાકોરજી સાથેનો અદ્ભુત સંબંધ આ બ્રહ્મ સંબંધથી દેહ અને જીવના તમામ દોષો દૂર થાય. પુષ્ટિ જીવ પર બ્રહ્મ શ્રીકૃષ્ણ પુરુષોત્તમની જ સેવા કરે. અન્યનો આદર કરે પણ કૃષ્ણ સિવાય તેના હૃદયમાં કોઇ જ ન બિરાજી શકે. શ્રીમદ્ વલ્ભાચાર્યજીએ પુષ્ટિમાર્ગના પ્રચાર પ્રસાર માટે વિપુલ પ્રમાણમાં પુષ્ટિ સાહિત્યનું સર્જન કર્યું છે. વૈષ્ણવો રોજ તેમના નિત્ય પાઠમાં ઉલ્લેખ કરે છે. શ્રીવલ્લભાચાર્યજીની 84 બેઠક, 84 શિષ્યો અને 84 ગ્રંથ જગપ્રસિદ્ધ છે. આમશ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે.