- શેઢે વીજ થાંભલો નાંખવા બાબતે પોલીસ કર્મીના પિતા પર જીવલેણ હુમલો કરાયો હતો
- આરોપી અને ફરિયાદી એક જ ગામમાં નજીક-નજીક રહેતા
- જામીન અપાય તો ફરી ઝઘડાની શકયતા : મુખ્ય જિલ્લા સરકારી વકીલ
વઢવાણના વસ્તડી ગામે ખેતરમાં થાંભલો ખોડવા જેવી સામાન્ય બાબતે ખેડૂત પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યાનો બનાવ ગત ડિસેમ્બરમાં બન્યો હતો. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.
વસ્તડી ગામે જુની પંચાયત ઓફીસ પાસે રહેતા 60 વર્ષીય ઘનશ્યામસીંહ સુરસંગભાઈ ગોહીલ ખેતી કરે છે. તેમના પુત્ર સરદારસીંહ જિલ્લા પોલીસમાં ફરજ બજાવે છે. ખેતરના શેઢે ઈલેકટ્રીક થાંભલો નાંખવાનો હોઈ તા.4થી ડિસેમ્બરના રોજ સવારે ઘનશ્યામસીંહ પુત્ર હરપાલસીંહ સાથે ખેતરે ગયા હતા. અને થાંભલો નાંખવા આવેલ મજુરોને જગ્યા દેખાડતા હતા. આ સમયે બાજુના ખેતરમાંથી હકા પોપટભાઈ પરાલીયા, ઘનશ્યામ પોપટભાઈ પરાલીયા અને હકાની પત્ની ત્રણેય ધસી આવ્યા હતા. અને અહીં થાંભલો ન ખોડતા તેમ કહ્યુ હતુ. જયારે ઘનશ્યામે હાથમાં રહેલ સોરીયાનો ઘા હરપાલસીંહને મારવા જતા તેમના પિતા ઘનશ્યામસીંહે ધક્કો મારી દેતા હરપાલસીંહ દુર જતા રહ્યા હતા. જયારે ઘનશ્યામસીંહ સમજાવવા જતા હકા પરાલીયાએ તેઓના માથામાં ધારીયાનો ઘા મારી દીધો હતો. આથી માથામાં લોહી નીકળતા ઘનશ્યામસીંહ ત્યાં જ ઢળી પડયા હતા.ઈજાગ્રસ્ત ઘનશ્યામસીંહને ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે 307ની કલમ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે ગત તા. 6ઠ્ઠી ડિસેમ્બરે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેમાં જેલવાસ ભોગવતા હકા પોપટભાઈ પરાલીયાએ તા. 1પ જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપી અને ફરિયાદી એક જ ગામમાં નજીક-નજીક રહે છે. જો અરજદાર આરોપીને જામીન પર મુકત કરાય તો ફરી ઝઘડાની શકયતા રહેલી છે. આથી બીજા એડિશનલ સેશન્સ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપી હકા પરાલીયાની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી.


