વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
લોધિકા તાલુકાની કરોડોની જમીન કૌભાંડ કેસમાં અલ્પેશ દોંગા સાથે સંડોવાયેલ એક આરોપી શરતી જામીન પર મુક્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરી અને જમીન કૌભાંડ સાથે જોડાયેલા મહત્વના કેસમાં એક આરોપીને કોર્ટ તરફથી રાહત મળી છે. વ્યાજખોર તરીકે જાણીતા અલ્પેશ દોંગા સામે નોંધાયેલા ગુનામાં સહઆરોપી રસિકભાઈ આંબાભાઈ સખિયાને સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને રૂ.50,000ના શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસ લોધિકા તાલુકાના ધુડીયા દોમડા ગામની કરોડો રૂપિયાની જમીન સાથે સંબંધિત છે. ફરિયાદ મુજબ, વર્ષ 2022માં ફરિયાદીએ રૂ.5 લાખ 5 ટકા માસિક વ્યાજે લીધા હતા. બાદમાં વધુ નાણાંની જરૂર પડતાં આરોપીઓએ દબાણ કરીને ફરિયાદીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ફરિયાદીએ વ્યાજ સહિત રૂ.15 લાખ ચૂકવી દીધા હોવા છતાં જમીન પરત આપવામાં આવી નહોતી. આરોપીઓએ બળજબરીથી જમીન કબજે રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચર્યો હોવાનો આરોપ છે.
આ મામલે રસિકભાઈ સખિયાએ પોતાના વકીલ વિજયરાજસિંહ એસ. જાડેજા મારફતે સેશન્સ કોર્ટમાં બી-ફોર ચાર્જશીટ રેગ્યુલર જામીન અરજી કરી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ કોઈ નાણાં લીધા નથી અને જમીનના દસ્તાવેજ અંગે તેની સીધી સંડોવણી નથી. સાથે જ તેની સામે કોઈ નોંધપાત્ર પુરાવા કે રીકવરી પણ નથી.
કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળી પ્રાથમિક દૃષ્ટિએ આરોપીની સંડોવણી પુરવાર થતી ન હોવાની નોંધ લઈ શરતી જામીન મંજુર કર્યા છે. હવે આ કેસની આગળની કાર્યવાહી દરમ્યાન વધુ તથ્યો સામે આવશે.


