Updated: Nov 4th, 2023
Image Source: Twitter
– આરોપીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો
મુંબઈ, તા. 04 નવેમ્બર 2023, શનિવાર
બિઝનેસમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં મુંબઈની ગામદેવી પોલીસે આજે તેલંગાણાના એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની આજે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ગત અઠવાડિયે અંબાણીને અનેક ઈમેલ મળ્યા હતા. આ ઈમેલમાં પૈસાની માંગ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એવું લાગે છે કે કેટલાક કિશોરો દ્વારા શરારત કરવામાં આવી છે. હાલમાં અમારી તપાસ ચાલી રહી છે અને અમે મામલાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. મુકેશ અંબાણીને કુલ પાંચ ઈમેલ મળ્યા હતા જેમાં તેમની પાસેથી કુલ 400 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી કંઈ કરે તે પહેલા જ તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.