- અમદાવાદમાં નરોડા પાટીયા વિસ્તારમાં ચોરી થઇ
- સિટી સેન્ટર આર્કેડના ભોયરામાંથી એક્ટિવાની ચોરી
- સિટી સેન્ટર આર્કેડમાં એક અઠવાડિયામાં ચોરીની બીજી ઘટના
અમદાવાદમાં એક્ટિવા ચોર બેફામ થયા છે. જેમાં શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. તેમાં સિટી સેન્ટર આર્કેડના ભોયરામાંથી એક્ટિવાની ચોરી થઇ છે. ચોરે ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી ચોરીને અંજામ આપ્યો છે. અજાણ્યો શખ્સ એક્ટિવા લઈને ફરાર થયો છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. સિટી સેન્ટર આર્કેડમાં એક અઠવાડિયામાં ચોરીની બીજી ઘટના બની છે. તાજેતરમાં કરોડોની સંપત્તિ ધરાવતા હિતેષ જૈન નામનો આરોપી મોજશોખ માટે એક્ટિવા ચોરી કરતો હતો. આરોપી હિતેષ દરરોજની એક એક્ટિવા ચોરી કરતો હતો અને ચોરીના એક્ટિવાથી અલગ અલગ જગ્યા ફરતો હતો. જે બાદ એક્ટિવાનું પેટ્રોલ પૂરું થઈ જતાં તે બિનવારસી મૂકીને જતો રહેતો હતો.
જુદા જુદા વિસ્તારમાંથી આશરે 150 જેટલા એક્ટિવાની ચોરી કરી
આ પ્રકારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી આશરે 150 જેટલા એક્ટિવાની ચોરી કરી ચૂક્યો છે. એક્ટિવા ચોરીના આંકડા વધતા ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે તપાસ કરતાં આરોપી ચોરીની એક્ટિવા સાથે પીરાણા પાસેથી ઝડપાયો હતો. ત્યાર બાદ તેની પૂછપરછમાં તેણે ત્રણ મહિનામાં આશરે 70 જેટલા એક્ટિવા ચોરી કરીને અમુક એક્ટિવા પીરાણા પાસે ખુલ્લા મેદાન મૂકી રાખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી ચોરીના 20 એક્ટિવા કબજે કર્યા છે. પકડાયેલ આરોપી હિતેષ જૈન 9 વર્ષ પહેલાં સામાન્ય જીવન જવતો હતો. નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેની પાસે શાહીબાગમાં કરોડોના બે ફ્લેટ પણ છે. તેની પાસે ગાડીઓ પણ છે, પરંતુ 2016માં પતિ-પત્ની વચ્ચે મનભેદ થયા અને તેનો ઘર સંસાર વિખેરાયો અને કરોડપતિ એવા હિતેષે ગુનેગાર બનવાનો માર્ગ અપનાવ્યો. આરોપી હિતેષે શરૂઆતમા એક એક્ટિવાની ચોરી કરી અને આ ચોરી તેની માટે નશો બની ગયો હોય તેમ ઉપરા છાપરી અત્યાર સુધી અસંખ્ય એક્ટિવાઓ ચોરી કરી છે.


