- 11.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
- 16 શહેરોમાં 19 ડિગ્રીથી નીચું તાપમાન
- ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર અહીં થઈ
રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો હોય તેમ આજે 16 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો હતો. 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાયેલા પવનના કારણે ઠંડીની કાતિલતામાં વધારો થયો હતો. તીવ્ર ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા તેની અસર અહીં સુધી વર્તાઈ છે.
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચાર થી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે. ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પવનની દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. આજે શહેરમાં સવારથી પવનની ગતિ વધુ રહેતા લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી હોવા છતાં લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઠંડીથી બચવા માટે લોકો મફલર, ટોપી, સ્વેટર, જેકેટ સહિતના ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા. લોકોની સવાર આજે મોડી પડી હતી. સાંજે બજારોમાં પણ ઠંડીના કારણે લોકોની હાજરી ઓછી જોવા મળી હતી. રાત્રે ગરમીથી રાહત મેળવવા તાપણીઓ શરૂ થઈ હતી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 11.2 ડિગ્રી નોંધાઈ હતી. અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રી ઠંડી નોંધાતા લોકો રીતસર ધ્રૂજી ઊઠયા હતા. 16 શહેરોમાં 19 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને ખુલ્લા મેદાની વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ વધુ ઠંડી અનુભવી હતી.
માઉન્ટ આબુમાં શિતલહેર : તાપમાન માઈનસ 1 ડિગ્રી નોંધાયું
રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટમાં ઉત્તરભારત બાજુથી આવતા ઠંડા પવનના કારણે ઠંડીનુ પ્રમાણ સવારના સુમારે તાપમમાનનો પારો ગગડતા માયનસ એક ડિગ્રીએ પહોંચ્યું હતું.અને ગુરૂશીખર પર તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે પોલોગ્રાઉન્ડમાં ઘાસ પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી.અને વાહનોની છત પર તેમજ ગારડનમાં બહાર પડેલી ચેર પણ બરફના થર જામ્યા હતા. તેમજ ગુરુશિખર પર ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડી લહેર પ્રસરી જતાં સહેલાણીઓ ઠંડીમાં ધ્રૂજી ઊઠયા હતા.આમ ચાર દિવસ બાદ ફરીથી માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ગગડતા ઠંડી વધતાં સહેલાણોઓએ હોટલમાં બોર્નફાયરનો સહારો લેવો પડી રહ્યો છે.


