માથાભારે શખ્સો દ્વારા રિવોલ્વરના નાળચે ઉઘરાણી : મોબાઈલ શોપની આડમાં જુગારનો અખાડો
મોબાઇલમાં પરાણે એપ ડાઉનલોડ કરાવી આઇડી પાસવર્ડ આપ્યા : બુલેટ પોઇન્ટ મુકવા : 71.50 લાખ ચૂકવ્યા બાદ 64.50 લાખની પઠાણી ઉઘરાણી
પોલીસ કમિશનરને રજૂઆત બાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
કહેવત છે કે, દેખાડવાના પણ જુદા અને ચાવવાના પણ જુદા, આ પ્રકારની હકીકત દર્શાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમીન માર્ગ પર મોંઘાંદાટ મોબાઈલ ફોનની શોપ ધરાવતા શખ્સે આ શોપની આડમાં ઓનલાઈન ગેમિંગનો અખાડો શરૂ કર્યો છે. થોડા સમય પૂર્વે આ મોબાઇલ શોપના માલિકે ચાંદી કામના ધંધાથીને ફોનમાં ગેમિંગ એપ ડાઉનલોડ કરાવી આઇડી પાસવર્ડ આપી જુગારની લતે ચડાવી 1.34 કરોડના ખાડામાં ઉતારી દીધો હતો. જેની પઠાણી ઉઘરાણી થતા કારખાનેદાર યુવકે 71.50 લાખ ચૂકવી દીધા હતા. પરંતુ 64.50 લાખ નહીં ચૂકવી શકતા આ શખ્સે તેમના મળતીયાઓ મારફત રિવોલ્વરના નાળચે ઉઘરાણી શરૂ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આ માથાભારે શખ્સોને પાઠ ભણાવવા તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ પર શ્રીજી આઇસ્ક્રીમની બાજુમાં રહેતો પ્રિન્સ મનોજભાઈ ઠુંમર (ઉ.વ.24) નામનો યુવક આર્યનગર શેરી ન.14 માં ખોડીયાર સિલ્વર નામે ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે, પિતા મનોજભાઈ પણ હજુ સાથે કામ કરે છે. થોડા સમય પૂર્વે દોઢેક વર્ષ પહેલા પ્રિન્સ તેના મિત્ર નૈવિક બાસીડા સાથે અમીન માર્ગ પર આવેલી “આઇફોન એરા” મોબાઈલ શોપ નામના મોબાઈલના શોરૂમ ખાતે ગયો હતો. ત્યારે આ દુકાનના માલિક ઉત્તમ અશોકભાઈ વિરડા સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં પ્રિન્સે આ મોબાઇલ શોપ માંથી ચારેક મોબાઈલ ખરીદ કર્યા હતા. જેથી ઉત્તમભાઈ સાથે તેને ગાઢ પરિચય થઈ ગયો હતો. નવેક માસ પૂર્વે પ્રિન્સે ઉત્તમભાઈ પાસેથી ફોન ખરીદ કર્યો હતો તેમાં ખામી સર્જાતા તેના રીપેરીંગ માટે ફરી વખત તેની દુકાને ગયો હતો અને ત્યારે ઉત્તમભાઈએ તેનો ફોન બે દિવસમાં રીપેર કરી આપશે તેવું કહેતા બે દિવસ બાદ ફરી વખત તેમની દુકાને ગયો હતો ત્યારે ઉત્તમભાઈ એ કહેલ કે, તારા મોબાઇલમાં મે ALLPANEL777 ઓનલાઈન ગેમની એપ ડાઉનલોડ કરી છે. તેમાં ઓનલાઇન ગેમ રમજે તને સારી એવી રકમ મળશે તેવું કહી પાસવર્ડ પણ આપ્યો હતો. તેની સાથે હું તમે આ આઈડી માં પાંચ લાખની રકમ પણ નાખી દીધી હતી નાણાં કમાવાની લાલચમાં જુગાર રમવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત કહ્યું હતું કે, આ જુગારનો હિસાબ દર સોમવારે કરવામાં આવશે. જીતેલા નાણા ચુકવાશે અને હારેલા નાણા પણ ચૂકવવા પડશે.
આટલું કર્યા બાદ પ્રિન્સે જુગાર શરૂ કર્યો હતો અને તેમાં 5 લાખની રકમ હારી ગયો હતો. આથી કારખાનાના હિસાબ માંથી પ્રિન્સે તે રકમ ચૂકવી આપી હતી. અને કયું હતું કે, હવે મારે જુગાર રમવું નથી.જેથી ઉતમે ફરી કહ્યું કે હું બીજી આઈડી પાસવર્ડ આપું છું તેમાં રમજે તેમાં તને સારી એવી રકમ મળશે તેવું કહી ફરી વખત તે આઈડી માં પાંચ લાખની બેલેન્સ જમા કરી આપી હતી આ આઈડી મારફત પાંચ થી છ મહિનામાં ઓનલાઈન જુગારમાં પ્રિન્સ 1.37 કરોડ હારી ગયો હતો. જેથી આ નાણાની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. આથી પ્રિન્સે કટકે કટકે રોકડા તો ક્યારેક આંગડિયા મારફત ઉત્તમને 71.50 લાખની રકમ ચૂકતે કરી આપી હતી. ત્યારબાદ ઊતમે ફરી વખત TAJ 777 નામની આઈડી અને પાસવર્ડ આપ્યા હતા અને તેમાં ફરી વખત જુગાર રમતા પ્રિન્સ તેમાં 35 લાખ હારી ગયો હતો તેની સામે તે એક વખત 23.50 લાખ જીતેલો હોવાથી ઉતમે તે ચૂકવ્યા હતા. પરંતુ હજુ જુગાર પેટે ના 64.50 લાખ ચૂકવવાના બાકી હોવાથી તે ચૂકવવા માટે ધાક ધમકીઓ શરૂ થઈ હતી અને કાયદેસર ઉઘરાણી ચાલુ કરવામાં આવી હતી.
હાલ સ્થિતિ ખરાબ હોય અને નાણાં નહીં ચૂકવી શકે તેવું જણાવતા મામલો બન્યો હતો જેથી પ્રિન્સે તેના પિતા મનોજભાઈ ને તમામ બાબતથી વાકેફ કર્યા હતા જેથી મનોજભાઈએ ઉત્તમ સાથે ફોન પર વાત કરી તમામ હકીકત જાણી હતી. ત્યારબાદ 25 જાન્યુઆરીના રોજ ઉત્તમ અને રવિ વેકરીયા નામના શખ્સો રાત્રિના સમયે દુકાને આવ્યા હતા અને ફરી વખત નાણાની માગણી કરી ઉત્તમએ કહ્યું હતું કે આ નાણાનો હવાલો રવિ વેકરીયા અને સ્મિત સખીયાને આપ્યો છે જેથી આ નાણા તમારે તેઓને ચૂકવવા પડશે તે સમયે પણ મનોજભાઈ એ કહ્યું હતું કે અમે તમને ઓળખીએ છીએ રવિ કે સ્મિતને ઓળખતા નથી. જેથી નાણા પણ અમો તમને જ આપીશું.
પરંતુ રવિએ કહ્યું કે આ નાણાં તમારે એમને જ ચૂકવવા પડશે. નહિતર બજારમાં રહેવું અઘરું પડી જશે. ત્રણ દિવસનો સમય આપીએ છીએ. આ ત્રણ દિવસમાં મોકાજી સર્કલ, સાશ્વત કોમ્પ્લેક્સના ચોઠા માળે આવેલી અમારી ઓફિસ આવી જજો નહિતર અઘરું પડી જશે.
જેથી મનોજભાઈ બે દિવસ બાદ મોકાજી સર્કલે રવિ વેકરીયાની ઓફિસે ગયા હતા ત્યાં સ્મિત સખીયા હાજર હતો. મનોજભાઈએ એવું કહ્યું હતું કે હાલ અમારી પાસે સગવડ નથી નાણા આવશે ત્યારે ચૂકવી આપીશ. જેથી ઉશ્કેરાયેલા સ્મિત સખીયાએ તેની પાસે રહેલી લાઇસન્સ વાળી રિવોલ્વર કાઢી મનોજભાઈ ના લમણે રાખી ધમકી આપી હતી કે, રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ અને આટલી વાર લાગશે. આમ કહેતા મનોજભાઈ ડરી ગયા હતા અને કહ્યું હતું કે ચાર પાંચ દિવસનો સમય આપો જેથી સ્મિત્તે સમય આપ્યો હતો આ સમયગાળા દરમિયાન સમાજના આગેવાનોની સલાહ મુજબ 9 એપ્રિલના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં રવિ અને સ્મિત વિરુદ્ધ અરજી આપી હતી અને તેની તપાસ પીએસઆઈ ગઢવીને સોંપવામાં આવી હતી
અરજી પર પોલીસે કંઈ પણ કાર્યવાહી કરી ન હતી. બાદમાં 12 મેના રોજ અમિન માર્ગ પર પ્રિન્સ તેના મિત્ર કર્તવ્ય ખૂટ સાથે હાજર હતો ત્યારે GJ 3NF 1 નંબરની ગાડીમાં આવેલા સ્મિત સખીયાંએ આવી કહ્યું હતું કે, પોલીસમાં ભલે અરજી આપી હોય નાણા તો આપવા જ પડશે. આ બાબતથી પ્રિન્સ અને તેના પિતા ફરી વખત આઘાતમાં મુકાઈ ગયા હતા. બાદમાં પોલીસ કમિશનરને અરજી આપતા પોલીસ કમિશનરે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપતા પી.આઈ ગોંડલીયાની સૂચનાથી જુગાર નો અખાડો ચલાવતા મોબાઈલ શોપના ધારક ઓમ નગર સર્કલ પાસે પ્રણાલી પાર્ક શેરી નં. 2 માં રહેતા ઉત્તમ અશોકભાઈ વિરડીયા, મવડી મેઇન રોડ પર ન્યૂ માયણી નગર શેરી નં.2 માં રહેતા સ્મિત કિશોરભાઈ સખીયાં અને મવડી મેઇન રોડ સરદારનગર 2 માં રહેતા રવિ રમેશભાઈ વેકરીયા સામે ગુનો દાખલ કરી તમામ ઓનલાઈન જુગારની આઈડી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.