સ્ત્રીને સન્માન મળે અને તેને બરાબરીનું સ્થાન મળે એ હેતુથી કરવામાં આવ્યો છે આ નવતર પ્રયોગ
શેરી કે મહોલ્લામાં દીકરી એ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય કે કોઈ ક્ષેત્રમાં નામના મેળવી હોય તો એ શેરી કે મહોલ્લો ઓળખાશે તે દીકરીના નામે
સામાન્ય રીતે ઘરના દરવાજા બહાર ઘરના કોઈ પણ પુરુષ સભ્યની નેઇમ પ્લેટ હોય છે ચાહે તે પિતા હોય કે પછી પુત્ર હોય. સ્ત્રીના નામની નેમ પ્લેટની કદાચ કોઈએ પણ નહીં કરી હોય પરંતુ કચ્છના નાનકડા ગામમાં દરેક ઘરના દરવાજામાં તે ઘરની બેન દીકરી કે વહુના નામની પ્લેટ ઘર બહાર લગાડવામાં આવી છે. ખૂબ જ અલગ અને પ્રેરણાદાયી આ ઘટના છે જેનું અનુકરણ કરવા જેવું છે. સ્ત્રીને સન્માન મળે અને તેને બરાબરીનું સ્થાન મળે એ હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વાત છે કચ્છના માંડવી તાલુકાના મસ્કા અને આંગિયા ગામની કે જ્યાં તને ઘરની બહાર દીકરીઓ અને વહુના નામની નેમપ્લેટ જોવા મળે છે.
ગામ લોકો તેમના ઘરની બહાર દીકરીઓ અથવા વહુનાં નામની નેમપ્લેટ લગાવવા લાગ્યા છે અને લોકો આ પ્રયોગથી ખુશ છે.મોટા અંગીયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચીના મત મુજબ ઘરની ઓળખ હંમેશા પુરુષથી થતી હોય છે. આ વિચારને બદલીને દીકરીઓનું આત્મવિશ્વાસ વધે તે હેતુથી આ નવતર પ્રયોગ કર્યો છે. આ હેઠળ ગામના દરેક ઘરમાં નેમ પ્લેટ ઘરની દીકરી અને વહુના નામે કરી છે. આમ તો આ ઘણી નાની વાત છે પણ તેની અસર ખૂબ સકારાત્મક થશે.અત્યાર સુધીમાં ત્રીસ જેટલા ઘરોમાં નેમ પ્લેટ દીકરીના નામની બનાવવામાં આવી છે પરંતુ થોડા દિવસમાં દરેક ઘર પર દીકરી કે વહુ નું નામ હોય એવા પ્રયત્નો ચાલી રહ્યા છે આ ઉપરાંત મસ્કા ગામના સરપંચ કીર્તિ ગોરનું પણ માનવું છે કે ઘરો ના નામ દીકરીઓના નામે અને એનાથી આગળ વધીને જે શેરી કે મહોલ્લામાં દીકરી એ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય કે કોઈ ક્ષેત્રમાં નામના મેળવી હોય તો એ શેરી કે મહોલ્લો તે દીકરીના નામે ઓળખાશે.આ નિર્ણયથી મહિલા વર્ગમાં ખુશી જોવા મળી રહી છે. આ નિર્ણયથી છોકરીઓને વધુ ભણવા પ્રેરણા મળશે અને પરિવારના સમ્માન ન કારણે સ્ત્રીઓમાં આત્મ વિશ્વાસ પણ વધશે. આ ગામના નવતર પ્રયોગનું અન્ય ગામોએ પણ અનુસરણ કરવું જોઈએ.