- કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીને સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા
- બીજેપી પ્રતિનિધિમંડળને પણ સંદેશખાલીમાં અટકાવવામાં આવ્યું હતું
- અધિર રંજને મમતા બેનર્જી પર નિશાન સાધી તેમને ક્રુરતાની રાણી કહ્યાં હતા
કોંગ્રેસના સાંસદ અને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા બાદ તણાવ સર્જાયો હતો. પોલીસ અને અધીર રંજન ચૌધરી વચ્ચે બોલાચાલી થઈ હતી. સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા અને રામપુરમાં બેરિકેડ કરી દીધા હતા.આપને જણાવી દઈએ કે શુક્રવારે સવારે બીજેપી પ્રતિનિધિમંડળને પણ સંદેશખાલીમાં અટકાવવામાં આવ્યું હતું.
અધિર રંજને સાધ્યું નિશાન
સંદેશખાલી માટે આગળ વધવા માટે કોંગ્રેસ સાંસદે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મમતા ક્રૂરતાની રાણી છે, તે આગ સાથે રમી રહી છે. અધીર રંજને કહ્યું કે અમે બધું રાજકીય રીતે કરીશું. અમે બોમ્બ કે બંદૂક નથી લઈ જઇ રહ્યા. બીજેપી પણ અટકાવાઇ પરંતુ તેઓ કંઈક બીજા છે અને અમે અલગ છીએ. NCPCR એ પશ્ચિમ બંગાળ પોલીસ અને સંદેશખાલીમાં બદમાશોના જૂથને એક બાળક સાથે કથિત ગેરવર્તન બદલ નોટિસ જારી કરી છે.
ભાજપની ફેક્ટ ફાઇન્ડીંગ ટીમને પણ અટકાવાઇ હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે સવારે બીજેપી ડેલિગેશનને પણ સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ભાજપની ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ પશ્ચિમ બંગાળના સંદેશખાલી જઈ રહી હતી. જેમાં ભાજપના છ સભ્યોના પ્રતિનિધિમંડળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમને બંગાળ પોલીસે રસ્તામાં રોકી હતી.
રાજ્યપાલને મળવા પહોંચ્યા ભાજપના સભ્યો
પ્રતિનિધિમંડળને અટકાવ્યા બાદ ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. પોલીસે અટકાવ્યા બાદ ભાજપના પ્રતિનિધિ મંડળના સભ્યો રસ્તા પર જ હડતાળ પર બેસી ગયા હતા. આ પછી પ્રતિનિધિમંડળના સભ્યો રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. પ્રતિનિધિમંડળના સભ્ય અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે, ‘અમે પીડિતોને મળવા અને તેમને ન્યાય અપાવવા આવ્યા છીએ, પરંતુ જે રીતે પોલીસ અમને રોકી રહી છે, જો શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી જ તત્પરતા દાખવવામાં આવી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.’


