દોઢ ઇંચ વરસાદમાં ટ્રાફિક જામમાં દોઢ કલાક ફસાયા રાજકોટવાસીઓ
રામદેવ ચોકડી, મવડી ચોકડી, ભોમેશ્વર,જુના એરપોર્ટમાં ચકકાજામ
એક બાજુ વરસાદનો આનંદ બીજી બાજુ તંત્રનો કહેર: તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાયા : પ્રિ-મોન્સુન કામગીરી માત્ર નાટક
ટ્રાફિક બ્રિગેડને હવાલે શહેર સોંપી દેતાં અધિકારીઓ
રાજકોટમાં ગઇ સાંજે માત્ર દોઢ ઇંચ વરસાદે મનપા તંત્રની અને ટ્રાફિક પોલીસ તંત્રની કહેવાતી વાઇબ્રન્ટ કામગીરીની પોલ ખોલી નાંખી હતી. શહેરી જનો માત્ર દોઢ ઇંચ વરસાદમાં અનેક સ્થળે એક થી દોઢ કલાક સુધી ફસાયા હતાં. એક બાજુ વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતાં. બીજી બાજુ ખાડા ખબડાને કારણે વાહન ચાલકો અકસ્માતના ભયથી બચીને માર્ગ કાઢતાં હતાં. તો બીજી બાજુ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક અરાજકતા સર્જાઇ હતી.
અગ્ર ગુજરાત ઉપર અનેક લોકોના ફોન આવ્યા હતાં. રાત્રીના સાડા આઠ વાગ્યા અરસામાં રીક્ષા ચાલક સંજયભાઇનો અગ્ર ગુજરાત ઉપર ફોન આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ રામદેવ ચોકડી ખાતે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. એક બાજુ વરસાદ બીજી બાજુ વરસાદના પાણી રસ્તા ઉપર આવી ગયા હતાં. અને ત્રીજી બાજુ ટ્રાફિક જામને કારણે લોકો રસ્તા ઉપર ફસાઇ ગયા હતાં. રામદેવપીર ચોકડી ખાતે એક થી દોઢ કલાક ટ્રાફિક જામની સમશ્યા રહી હતી.
જામનગર રોડ સાંઢિયા પુલનું કામ ચાલતું હોવાથી બાજુમાંથી ભોમેશ્વર મંદિર થઇ એરપોર્ટ તરફ જતાં રસ્તા ઉપર ટ્રાફિક જામ અને ભયંકર અરાજકતા જોવા મળી હતી. ત્યાથી આગળ જુના એરપોર્ટ ખાતે રેલનગર,શીતલપાર્ક જામનગર રોડ તરફ જતાં ચોક ઉપર પણ રાત્રીન સાડા આઠ વાગ્યાના અરસામાં ટ્રાફિક જામ અને પાણી ભરાયા હતાં. બેવડી દુવિધાથી રાજકોટવાસીઓનો વરસાદનો આનંદ છિનવાયો હતો.
રાજકોટ મનપાના અબજો રૂપિયાના બજેટ અને ખર્ચ છતાં શહેરીજનોને માત્ર દોડ ઇંચ વરસાદમાં તંત્રમાં ચાલતી પોલંપોલ અને પૈસા હજમ પ્રવૃતિના દર્શન થયા હતાં. સ્વાભાવિક રીતે મત માંગવા આવતાં અને ચૂંટાઇન ચમચમતી ગાડીઓમાં બેસતાં ભાજપના નેતા ભુગર્ભમાં હતાં. તેમની ફરજ માત્ર દુર્ઘટના સમયે જ હોય તેવુ લાગે છે. લોકોની હાડમારી સાથે કોર્પોરેટરોને કે ભાજપના નેતાઓને કે કોંગ્રેસના નેતાઓને લાગે વળગે નથી.
ગઇ કાલનું રાજકોટનું દ્રશ્ય એટલે મોટું ગામડું.ટોટલ એડમિનિસ્ટ્રેશન ફેઇલ્યોર.