ગંભીર ગુનામાં આરોપીની પોલીસ કસ્ટડી અને પુછપરછ અતિ જરૂરી : કોર્ટ
અમદાવાદના ડો.વૈશાલી જોશીના આપઘાત પ્રકરણમાં છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.કે.ખાચરે પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા મેળવવા અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા ટીપ્પણી કરી હતી કે ગંભીર ગુના માટે આરોપી ખાચરની પોલીસ કસ્ટડી અને પુછપરછ અતિ મહત્વની છે.
ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ સંકુલમાં જ ગત તા.૬-૩-૨૦૨૪ના રોજ રહસ્યમય સંજોગોમાં ડો.વૈશાલી જોષીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા ક્રાઈમબ્રાંચના આરોપી પીઆઈ બી.કે.ખાચરે કરેલી આગોતરા જામીન અરજી ગઇકાલે અત્રેના એડિશનલ સેશન્સ જજ જે.કે. બ્રહ્મભટ્ટે ફગાવી દીધી હતી. આરોપી પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી એક ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં તેઓ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં પ્રેમસબંધ તોડી નાંખી તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુનામાં સંડોવાયેલા છે. મૃતક યુવતીએ લખેલી સ્યુસાઈટ નોટમાં આરોપી પીઆઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઇડ નોટ અંગેનો નિષ્ણાત તજજ્ઞનો રિપોર્ટ પણ આવી ગયો છે એને તેમાં સ્પષ્ટ થયું છે કે, સ્યુસાઇડ નોટમાં લખેલા હસ્તાક્ષર મરનાર ડો. વૈશાલી જોશીના જ હતા. આરોપી પીઆઈ વિરૂધ્ધ આ કેસમાં નક્કર અને મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે જો આવા તબક્કે આરોપી પીઆઇને આગોતરા જામીન અપાય તો ઉચ્ચ પોલીસ અધિકારી હોવાના નાતે તે કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે અને કેસના રાયલને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી પીઆઇના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી એડીશન્સ સેશન્સ જજ જે.કે.બ્રહ્મભટ્ટે પીઆઇ બી.કે.ખાચરના આગોતરા ફગાવી દીધા હતા.


