મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર એકંદરે મજબૂતાઇ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૮૬૫ થયા પછી ૧૮૫૩ થઇ ૧૮૫૬થી ૧૮૫૭ ડોલર રહ્યા હતા. ઇઝરાયલ તથા પેલેસ્ટાઇનના યુદ્ધ પર બજારની નજર રહી હતી.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૧૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૫૯૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૯૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૧૦૦૦ વધી રૂા. ૭૧૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ વધી ૨૧.૭૩થી ૨૧.૭૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૮૮૬થી ૮૮૭ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૧૨૮થી ૧૧૨૯ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક ડોલરના ભાવ ૧.૨૫થી ૧.૩૦ ટકા માઇનસમાં રહ્યા હતા. ચીનની સરકાર કથળતા અર્થતંત્રને પીઠબળ આપવા નવું સ્ટીમ્યુલસ જાહેર કરશે એવી શક્યતા વિશ્વ બજારમાં ચર્ચાતી થવા છતાં વૈશ્વિક કોપરના ભાવ ઘટતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા મથાળે નરમ હતા. નવી માગ ધીમી હતી. યુએસ ક્રૂડતેલના ભાવ ઘટી બેરલના નીચામાં ૮૫.૩૦ થઇ ૮૫.૯૫ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી નીચામાં ૮૭.૧૧ થઇ ૮૭.૭૫ ડોલર રહ્યા હતા. વેનેન્ઝુએલાનું ક્રૂડ તેલ વિશ્વ બજારમાં વધુ આવવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, રશિયાથી ક્રૂડતેલની નિકાસ જે તાજેતરમાં વધી ૧૩ સપ્તાહની ટોચે પહોંચી હતી તે ફરી ઘટી હોવાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૭૧૦૨ વાળા રૂા. ૫૭૩૦૩ થઇ રૂા. ૫૭૨૪૯ રહ્યા હતા. જ્યારે ૯૯.૪૦ના ભાવ રૂા. ૫૭૪૭૯ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૮૪૯૩ વાળા આજે રૂા. ૬૮૬૨૮ થઇ રૂા. ૬૮૫૮૩ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.