– ઘરઆંગણે પોલિશ્ડ ડાયમન્ડસની ઈન્વેન્ટરી વધી જતા ભાવ પર દબાણ
– ઈઝરાયલ ખાતે વાર્ષિક અંદાજે ૧.૨૫ અબજ ડોલરના પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ
Updated: Oct 19th, 2023
ચીન, અમેરિકા તથા યુરોપમાં આર્થિક મંદી ઉપરાંત ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર
મુંબઈ : અમેરિકા તથા યુરોપમાં મંદી બાદ હવે ઈઝરાયલ તથા હમાસ વચ્ચેના યુદ્ધને પરિણામે દેશમાંથી પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ પર વધુ અસર પડવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકા, ચીન તથા યુરોપમાં મંદી ઉપરાંત ઈઝરાય-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ભારત ખાતેથી પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ વર્તમાન નાણાં વર્ષમાં ૩૦થી ૩૨ ટકા ઘટી ૧૪થી ૧૫ અબજ ડોલર રહેવાની ઉદ્યોગ દ્વારા ધારણાં મૂકવામાં આવી રહી છે.
ભારતમાંથી પોલિશ્ડ ડાયમન્ડસની થતી કુલ નિકાસમાંથી ૭૫ ટકા નિકાસ યુરોપ, અમેરિકા તથા ચીન ખાતે થાય છે. આ ઉપરાંત ઈઝરાયલ ખાતે વાર્ષિક અંદાજે ૧.૨૫ અબજ ડોલરના પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ થાય છે.નિકાસ ઘટવાને કારણે ઘરઆંગણે પોલિશ્ડ ડાયમન્ડસના સ્ટોકસમાં વધારો થયો છે જેને કારણે ભાવ પર દબાણ આવ્યું હોવાનું પણ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે યુરોપ તથા અમેરિકા ખાતેથી નાતાલના તહેવાર પહેલા ડાયમન્ડસની માગ નીકળતી હોય છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિનામાં કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસ નિકાસ વાર્ષિક ધોરણે ૩૧ ટકા ઘટી હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.
નિકાસમાં ઘટાડાને કારણે ઊંચી કિંમતના પોલિશ્ડ ડાયમન્ડસની ઈન્વેન્ટરી ચાર મહિના જેટલી એકઠી થઈ ગયાનું એક રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રફ ડાયમન્ડસની ખેંચ ઊભી થઈ હતી જેને કારણે ઘરઆંગણે ભાવ મક્કમ રહ્યા હતા, પરંતુ ગયા નાણાં વર્ષના પાછલા છ મહિનાથી પૂરવઠા ખેંચ હળવી થઈ જતા ભાવ દબાણ હેઠળ આવી ગયાનું પણ ઉદ્યોગના સુત્રોએ ઉમેર્યું હતું.
ઝીમ્બાબ્વેનો પુરવઠો વધતાં રાહત
દેશમાં તહેવારોની મોસમ તથા લગ્નસરાની આવી રહેલી સિઝનમાં હીરા બજાર-ડાયમંડમાર્કેટમાં તાજેતરમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. હીરા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ એક બાજુ નેચરલ ડાયમન્ડના ઉંચા ભાવ તથા બીજી બાજુ લેબગ્રોન ડાયમન્ડમાં ખરીદી પછી વેંચવા જઈએ તો પ્રવાહીતાની સમસ્યાઓ વચ્ચે તાજેતરમાં ઝીમ્બાબ્વેના રફ ડાયમન્ડ વ્યાપક પ્રમાણમાં આવ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી છે. આવા ડાયમન્ડના ભાવ સરખામમીએ ઓછા હોતાં તથા નેચરલ ડાયમન્ડ ઓછા ભાવોએ મળતા થતાં હીરા બજારમાં ઘણા વેપારીઓ તથા ફિનિશ્ડ ડાયમન્ડના ઉત્પાદકો તથા ઝવેરીઓ અને ઘરેમાં બનાવનારાઓ આવા ઝીમ્બાબ્વેના ડાયમંડ તરફ વળ્યાના નિર્દેશો વહેતા થયા છે. આના પગલે તહેવારોમાં તથા લગ્નસરામાં દેશમાં આવા હીરા વોલ્યુમ વધવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.