રવિવારે સવારે 6:33 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ જમીનથી 135 કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી જાહેર કરી હતી.
રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જોકે, હજુ સુધી કોઈ ઈજા કે નુકસાનના સમાચાર નથી. આ ભૂકંપના કારણે ત્યાંનું તંત્ર સતર્ક થઈ ગયું છે. શનિવારે પણ અફઘાનિસ્તાનમાં ધરતીકંપ આવ્યો હતો.
સતત 3 દિવસ સુધી 4થી વધુની તીવ્રતાના ધરતીકંપ
17, 18 અને 19 મેના પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. અફઘાનિસ્તાન ભૂકંપ માટે એક સંવેદનશીલ વિસ્તાર છે. અહીં સતત ભૂકંપ આવતા રહે છે. NCS એ જણાવ્યું કે, ગઈકાલે એટલે કે શનિવારે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.5 હતી અને તેનું કેન્દ્રબિંદુ 120 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ પહેલા 19 મેના 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 18 મેના રોજ પણ 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 150 કિલોમીટરની ઊંડાઈએ હતો.
દક્ષિણ સુમાત્રામાં 5.9, નેપાળમાં 4.3ના આંચકા
23 મી મેના નેપાળમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. શુક્રવારે વહેલી સવારે નેપાળમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા મુજબ, ઇન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રામાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.