અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાને પોતાના દેશના રોજિંદા જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથેની મુલાકાતમાં રાશિદે ખુલાસો કર્યો કે તેને પોતાની સુરક્ષા માટે બુલેટપ્રૂફ કારનો ઉપયોગ કરવો પડે છે. રાશિદની કોમેન્ટથી પીટરસન પણ હેરાન થઈ ગયા હતા. તેનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
રાશિદે કેવિન પીટરસનના ઈન્ટરવ્યુમાં કર્યો એક ચોંકાવનારો ખુલાસો
કેવિન પીટરસને એક ઈન્ટરવ્યુ દરમિયાન રાશિદ ખાનને પૂછ્યું કે શું અફઘાનિસ્તાનમાં સામાન્ય લોકો માટે જીવન સામાન્ય છે? રાશિદ ખાને તેના જવાબથી બધાને હેરાન કરી દીધા. રાશિદે કહ્યું કે “કોઈ તક નથી. હું સામાન્ય કારમાં મુસાફરી કરી શકતો નથી. મારે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરવી પડશે.”
રાશિદ ખાને વધુમાં સમજાવ્યું કે આ પગલું ડરથી નથી, પરંતુ ત્યાંની પરિસ્થિતિને કારણે મજબૂરીથી લેવામાં આવ્યું છે. તે મારી સલામતી માટે જરૂરી છે. કોઈ મને ગોળી મારશે નહીં, પરંતુ ખોટી જગ્યાએ અને ખોટા સમયે કંઈપણ થઈ શકે છે. ક્યારેક લોકો કાર ખોલવાનો પણ પ્રયાસ કરે છે.
અફઘાનિસ્તાનમાં બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરવી સામાન્ય છે
રાશિદે પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરી કે બુલેટપ્રૂફ કાર ખાસ તના માટે બનાવવામાં આવી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં તે એકદમ સામાન્ય ઘટના છે. તેને કહ્યું કે “મેં તેને કસ્ટમ-બિલ્ટ કરાવી હતી, પરંતુ અહીં ઘણા લોકો આવા વાહનોનો ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાનમાં તે એકદમ સામાન્ય ઘટના છે.” પીટરસન ફક્ત એટલું જ કહી શક્યા કે, “આ પરિસ્થિતિ રસપ્રદ છે.”
ILT20માં રમી રહ્યો છે રાશિદ ખાન
રાશિદ ખાન હાલમાં અબુ ધાબી ILT20માં રમી રહ્યો છે. તે IPL, બિગ બેશ લીગ, ધ હંડ્રેડ અને કેરેબિયન પ્રીમિયર લીગ સહિત વિશ્વભરની મોટી લીગમાં રમી ચૂક્યો છે. તે દુબઈને પોતાનું બીજું ઘર માને છે. રાશિદ ખાન હાલમાં IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે અને આગામી IPL સીઝનમાં તે જ ટીમ તરફથી રમશે. રાશિદ ખાનનું પ્રદર્શન છેલ્લી IPL સીઝનમાં ખરાબ રહ્યું હતું અને તે IPL 2025માં 15 મેચમાં ફક્ત 9 વિકેટ લઈ શક્યો હતો.
આ પણ વાંચો: Shafali Vermaએ આ મામલે સ્મૃતિ મંધાનાને છોડી પાછળ, લિસ્ટમાં ટોપ પર છે મિતાલી રાજ


