- 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભગવો લહેરાયો
- અમેરિકી- આફ્રિકી ગાયિકાએ પીએમ મોદીની કરી પ્રશંસા
- શાનદાર જીતને પગલે પાઠવ્યા અભિનંદન
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં ભાજપે જંગી બહુમતી મેળવીને 163 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી હતી. છત્તીસગઢમાં ભાજપે 54 બેઠકો જીતીને સત્તા કબજે કરવામાં સફળતા મેળવી છે. ત્યારે બીજેપીની આ શાનદાર જીતને લઇને વિદેશમાં પણ પીએમ મોદી પ્રશંસા મેળવી રહ્યા છે.
અમેરિકી સિંગરે પીએમ મોદીને પાઠવી શુભેચ્છા
આફ્રિકન-અમેરિકન ગાયિકા અને અભિનેત્રી મેરી મિલબેને રવિવારે ચૂંટણીમાં ભાજપની જંગી જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. મેરી મિલબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે પીએમ પદના ઉમેદવાર તરીકે મોદી ભારતની પ્રથમ પસંદગી છે. આ ઉપરાંત, તેઓ યુએસ-ભારત સંબંધો માટે શ્રેષ્ઠ નેતા પણ છે.
અગાઉ પણ કરી હતી પ્રશંસા
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શાનદાર જીત નોંધાવી હતી. બીજી બાજુ, કોંગ્રેસે તેલંગાણામાં તેની મોટી જીતથી આશ્વાસન મેળવ્યું છે. અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ ગાયિકા મિલબેને આફ્રિકન યુનિયનને G20ના સંપૂર્ણ સભ્ય તરીકે સામેલ કરવાના પ્રસ્તાવ માટે PM મોદીની પ્રશંસા કરી હતી.
મિલબેન ભારતમાં કેમ લોકપ્રિય ?
41 વર્ષીય મિલબેન ભારતમાં રાષ્ટ્રગીત અને ભક્તિ ભજન ‘ઓમ જય જગદીશ હરે’ના પ્રસ્તુતિ માટે લોકપ્રિય છે. તેમણે જૂન મહિનામાં પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા તે દરમિયાન એક કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું. તે પહેલા પણ ઘણી વખત પીએમ મોદીના વખાણ કરી ચૂકી છે.


