- ઝદરાન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં સદી નોંધાવનાર યંગેસ્ટ પ્લેયર
- ઝદરાને 21 વર્ષ 330 દિવસની વયે સદી નોંધાવી
- ઝદરાને 2023માં સાત વખત 50 પ્લસનો સ્કોર નોંધાવ્યો
ઓપનર ઇબ્રાહીમ ઝદરાને ઓસ્ટ્રેલિયા સામે વાનખેડેમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે વર્લ્ડ કપમાં સદી નોંધાવનાર પ્રથમ અફઘાન ક્રિકેટર બની ગયો છે. અફઘાન ટીમ પ્રથમ વખત 2015ના વર્લ્ડકપમાં રમી હતી અને અત્યાર સુધી 23 મેચ રમી ચૂકી છે અને પ્રથમ વખત કોઇ ખેલાડીએ 100નો સ્કોર પાર કર્યો છે. ઝદરાન પહેલાં સમીઉલ્લાહ શેનવારીએ 2015માં સ્કોટલેન્ડ સામે અફઘાનિસ્તાન તરફથી 95 રનની હાઇએસ્ટ ઇનિંગ રમી હતી. આ મેચમાં અફઘાન ટીમે સ્કોટલેન્ડને હરાવ્યું હતું.
ઝદરાન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં સદી નોંધાવનાર યંગેસ્ટ પ્લેયર
ઝદરાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી નોંધાવનાર યંગેસ્ટ પ્લેયર બની ગયો છે. બાંગ્લાદેશનો ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ અશરફુલ વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સદી નોંધાવનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે 2005માં કાર્ડિક ખાતે 20 વર્ષ 282 દિવસની વયે સદી ફટકારી હતી. સચિન તેંડુલકરે 1994માં કોલંબો ખાતે 21 વર્ષ 138 દિવસની વયે સદી નોંધાવી હતી. ઝદરાને 21 વર્ષ 330 દિવસની વયે સદી નોંધાવી છે.
અફઘાનિસ્તાન તરફથી સર્વાધિક વન-ડે સદી
અફઘાનિસ્તાન માટે વન-ડેમાં સર્વાધિક સદી મોહમ્મદ શહઝાદના નામે છે જેણે છ સદી ફટકારી હતી. આ ઉપરાંત રહમાનુલ્લાહ ગુરબાઝ, રહમત શાહ તથા ઇબ્રાહિમ ઝદરાન પાંચ-પાંચ સદી ફટકારી ચૂક્યા છે. આ ઉપરાંત ઝદરાન કેલેન્ડર વર્ષમાં અફઘાનિસ્તાન તરફથી સર્વાધિક અડધી સદી નોંધાવનાર બેટ્સમેન પણ બન્યો છે. રહમત શાહે 2018માં સાત વખત અને ઝદરાને 2023માં સાત વખત 50 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. હશમતુલ્લાહ શાહિદી ચાલુ વર્ષે છ વખત અડધી સદી નોંધાવી ચૂક્યો છે.


