- સાહેબની તોછડાઈ પગાર તો મળે જ છે ને, ભૂખે થોડી મરે છે
- 4 વર્ષે ફુલ પગારમાં સમાવવાના ઠરાવનો અમલ નહીં
- તમામ શરતો પરીપુર્ણ કરવા છતાંયે ઉપરી અધિકારીઓ કાયમીકરણ કરતા નથી
રાજ્ય કરવેરા અર્થાત સ્ટેટ GSTમાં વર્ગ- 3ના સેંકડો જૂનિયર અને સિનિયર ક્લાર્ક (કારકૂન)ની પાંચ વર્ષના ફિક્સ વેતનની સમયવધિ પૂર્ણ થઈ હોવા છતાંયે હજી સુધી તેમના કાયમીકરણની પ્રક્રિયા શરૂ થઈ નથી ! જે પૈકી ઘણાખરા તો વર્ષ 2015ની ભરતીથી સેવામાં સામેલ છે. આવા સાત- આઠ વર્ષથી ફિક્સ વેતન હેઠળના કર્મચારીઓ પોતાના મહેકમ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરે છે ત્યારે ”પગાર તો મળે જ છે ને, ભૂખે તો થોડી મરી રહ્યા છો” એવા જવાબો મળતા આ બંને કેડરના યુવાન કર્મીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે.
ફિક્સ વેતનના કર્મચારીઓના કાયમીકરણ અર્થાત ફુલ પગારમાં સમાવેશ કરવા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23 સપ્ટેમ્બર 2016ના રોજ ટ્વિટર ટાઉનહોલ કાર્યક્રમમાં સરળીકરણની જાહેરાત કરી હતી. ફિક્સ- પેના પાંચ વર્ષ પૂર્ણ થવાના બીજા જ દિવસે ફુલ પગાર આપવા માટે નાણાં વિભાગ મારફતે 18મી જાન્યુઆરી 2017ના ઠરાવથી આદેશ કરાવ્યો હતો. જેમાં ફિક્સ-પે કર્મીના ચાર વર્ષ પૂર્ણ થયેથી ફુલ પગારમાં સમાવવાની કાર્યવાહી શરૂ કરવા આદેશ કરાયો હતો. જેનો અમલ સ્ટેટ GST હેઠળના અમદાવાદ રાજ્ય વેરા કમિશનરેટમાં જ થયો નથી. જેના કારણે વર્ષ 2015 અને 2017ની ભરતીના જુનિયર ક્લાર્ક તેમજ વર્ષ 2017 અને 2018ના સિનિયર ક્લાર્કમાં ભારે રોષ ફેલાયો છે. વર્ગ-3ના કારકુન સંવર્ગના કર્મીઓએ વ્યથા ઠાલવતા કહ્યુ કે, નિયમિત પગારમાં સમાવેશ કરવા માટે નિયત તકમાં પુર્વસેવા પરિક્ષા પાસ કરવી, મેડિકલ પ્રમાણપત્ર અને ચાલ- ચલગતના પ્રમાણપત્ર રજુ કરવા જેવી તમામ શરતો પરીપુર્ણ કરવા છતાંયે ઉપરી અધિકારીઓ કાયમીકરણ કરતા નથી. ઉલ્ટાનું રજુઆત કરવા જઈએ છીએ તો તોછડાઈભર્યા ઉચ્ચારણો કરીને હડધુત કરી મુકે છે. આ બાબતે અમે સૌએ ન્યાયની અપેક્ષાએ મુખ્યમંત્રી કાર્યલાયમાં ધ્યાન દોર્યુ છે.


