- જિલ્લા પંચાયતની બોર્ડ બેઠકમાં નામ બદલવાનો પ્રસ્તાવ મંજૂર
- સીએમ યોગીએ બેઠકમાં અલીગઢને હરિગઢ કહીને કર્યું હતું સંબોધિત
- યોગી આદિત્યનાથ સરકારમાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા
ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ અને ફૈઝાબાદ બાદ હવે અલીગઢનું નામ બદલવાની તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા પંચાયતની બોર્ડ બેઠકમાં અલીગઢનું નામ બદલીને ‘હરિગઢ’ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પણ યોગી સરકારને મોકલી દેવામાં આવ્યો છે. માહિતી આપતાં અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે કહ્યું કે અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં અલીગઢનું નામ બદલીને ‘હરિગઢ’ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર સંજય પંડિતના સૂચન પર રજૂ કરવામાં આવ્યો હતો.
અલીગઢનું નામ બદલવાની માંગ ઘણી જૂની છે. વિશ્વ હિન્દુ પરિષદે વર્ષ 2015માં અલીગઢમાં એક ઠરાવ પસાર કરીને કહ્યું હતું કે અલીગઢનું પ્રાચીન નામ હરિગઢ છે. તે બાદમાં બદલીને અલીગઢ કરવામાં આવ્યું હતું, તેથી અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવું જોઈએ. કોઈપણ રીતે, આ જિલ્લા અને શહેરનું દેશ અને યુપીના રાજકારણમાં પોતાનું આગવું મહત્વ છે.
કલ્યાણ સિંહ વર્ષ 1992 માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે અલીગઢને હરિગઢ નામ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તેથી તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
સીએમ યોગીએ બેઠકમાં અલીગઢને હરિગઢ કહીને કર્યું હતું સંબોધિત
તાજેતરમાં જ જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢ પહોંચ્યા હતા ત્યારે તેમણે પણ અલીગઢને હરિગઢ કહીને સંબોધન કર્યું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે યોગી સરકાર ટૂંક સમયમાં નામ બદલી શકે છે. હવે આ અંગે મહાનગરપાલિકા તરફથી દરખાસ્ત પસાર થવાની અપેક્ષા વધુ વધી છે.
યોગી સરકારે અનેક જિલ્લાઓના નામ બદલ્યા
આ પહેલા પણ યોગી સરકારમાં અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. જેમાં, વર્ષ 2019માં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. આ સાથે બે રેલ્વે સ્ટેશનના નામ પણ બદલવામાં આવ્યા છે, જેમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન અને ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે.