પરંપરા જીવંત રાખવા મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઇ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રી દરમિયાન પૂજા કરવાના દાંતા રાજવી પરિવારના સદીઓ જૂના અધિકાર પર કોર્ટે રોક લગાવતા સનાતન હિન્દુ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પરંપરાને જીવંત રાખવા માટે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
દાંતા રાજવી પરિવારનો હિન્દુ સમાજમાં ભવ્ય ઇતિહાસ રહ્યો છે. તેઓ ઉજ્જૈનના મહારાજા વીર વિક્રમાદિત્યના વંશજો હોવાનું માનવામાં આવે છે. અંબાજી મંદિરમાં આસો સુદ ૮ (હવન) ના દિવસે પૂજા કરવાનો તેમનો પરંપરાગત અધિકાર રહ્યો છે. આ લડતમાં હવે કડાણાના રાજવી પરિવારની સાથે સંતરામપુર રાજવી પરિવારે પણ ટેકો જાહેર કર્યો છે અને આ પ્રાચીન પરંપરા અવિરત ચાલુ રાખવા માંગ કરી છે.
કડાણા તાલુકાના સનાતન હિન્દુ સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, ધાર્મિક આસ્થાઓ અને વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખવી અનિવાર્ય છે. કોર્ટના નિર્ણય બાદ રાજવી પરિવારને પૂજા કરતા અટકાવવામાં આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. હિન્દુ સમાજની આસ્થાને ધ્યાને લઈને આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, દાંતા સ્ટેટ અને અંબાજી મંદિર વચ્ચેનો સંબંધ અતૂટ છે. રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી વિશેષ પૂજા-અર્ચના એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આદિશક્તિની આરાધનાનો એક ઐતિહાસિક વારસો છે. આ વારસાને જાળવી રાખવા માટે સમગ્ર ગુજરાતના હિન્દુ સમાજમાં એકસૂરે માંગ ઉઠી રહી છે.


