- બહેરી સરકાર સાંભળતી ન હોવાથી આંદોલન તેજ કરાયાનો દાવો
- બાંયધરી આપ્યા પછી શિક્ષણ વિભાગનો છટકવાનો પ્રયાસ
- પરીક્ષા વિષયક કામગીરીનો તથા શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર શરૂ
રાજ્યની સરકારી 16 ઇજનેરી કૉલેજોના આશરે 1,500 અધ્યાપકોએ તેમના પડતર પ્રશ્નો સંદર્ભે ચલાવાતું આંદોલન તેજ કરવાનો નિર્ણય લીધો છે. દિવાળી પર્વ બાદ તેઓ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર શરૂ કરશે, 30મી નવેમ્બરે ટેક્નિકલ શિક્ષણની વડી કચેરી સમક્ષ દેખાવો યોજશે અને ત્યારબાદ ક્રમશઃ પરીક્ષા વિષયક કામગીરીનો તથા શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર શરૂ કરશે. તેમના યુનિયન તરફથી જાહેર કરાયું છે કે, 16મી ઑક્ટોબરથી અધ્યાપકો વિવિધ રીતે આંદોલન-દેખાવો કરી રહ્યાં છે, પણ આ નિષ્ઠુર રાજ્ય સરકારનું પેટનું પાણી હલતું નથી, તેથી મજબૂર થઈને ટેક્નિકલ અધ્યાપકોને આંદોલન જલદ બનાવવાનો દુઃખદ નિર્ણય લેવો પડયો છે. તેઓ કહે છે કે રાજ્યના લોકો દિવાળીના તહેવારોની મઝા માણી રહ્યા છે ત્યારે જીઇસીટીજીઓએ મંડળ સાથે જોડાયેલા અધ્યાપકો તેમના પડતર પ્રશ્નો સંદર્ભે રંગોળી બનાવી સોશિયલ મીડિયા ઉપર શેર કરવા લાચાર બન્યા છે. આ ટેક્નિકલ અધ્યાપકોના પ્રશ્નોમાં કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, બઢતી, એડહોક સેવા સળંગ, બદલી, વર્ગ-3ની ભરતી સિવાયના પ્રશ્નોનો કોમર્સ- આર્ટ્સ અને સાયન્સ કૉલેજોમાં તો ક્યારનોય ઉકેલ આવી ગયો છે, ત્યારે ટેક્નિકલ ફેકલ્ટીમાં છેલ્લે શિક્ષણ વિભાગ દ્વારા બાયધરી અપાઈ હોવા છતાં હવે પીછેહઠ કેમ થઈ રહી છે તે સમજાતું નથી, તેમ યુનિયન દ્વારા જણાવાઈ રહ્યું છે.


