– સાત જેટલી કંપનીઓમાં ૧૦૦ ટકાથી વધુ વળતર
Updated: Nov 7th, 2023
મુંબઈ : ગઈ દિવાળી બાદ અત્યારસુધીમાં ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થયેલી મોટાભાગની કંપનીઓએ રોકાણકારોને સેકન્ડરી માર્કેટમાં મજબૂત વળતર પૂરું પાડયું છે.
૨૦૨૨ની દિવાળી બાદ અત્યારસુધીમાં લિસ્ટેડ થયેલી ૫૬ કંપનીઓએ બજારમાંથી એકંદરે રૂપિયા ૪૭૮૯૦ કરોડ ઊભા કર્યા હતા. આ ૫૬ કંપનીઓમાંથી ઓછામાં ઓછી ૪૮ કંપનીઓ એવી છે, જે હાલમાં તેમના ભરણાંના ભાવથી ઊંચા ભાવે ટ્રેડ થઈ રહી છે એમ એક રિસર્ચ પેઢીના આંકડા જણાવે છે.
૪૮ કંપનીઓમાંથી સાત કંપનીઓએ વર્ષની અંદર૧૦૦ ટકાથી વધુ વળતર પૂરું પાડયું છે જ્યારે નવ કંપનીઓએ ૫૦થી ૧૦૦ ટકા વચ્ચે જ્યારે ૨૬ કંપનીઓએ ૧૦થી ૪૯ ટકા સુધીનું વળતર પૂરું પાડયું છે.
૨૦૨૩ના જાન્યુઆરીથી આઈપીઓ બજાર ધીમી પડી હતી પરંતુ માર્ચથી તેમાં ગતિ આવી હતી. વર્તમાન વર્ષના ૧લી એપ્રિલથી બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી૫૦માં ૧૦ ટકા જેટલો સુધારો થયો છે.
બે દિવાળી વચ્ચે આવેલી ૫૬ કંપનીઓમાંથી ૩૮ કંપની માર્ચ બાદ બજારમાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં આઈપીઓ બજારની કામગીરી સારી જોવા મળી રહી છે.
સેકન્ડરી બજારમાં તેજીને પગલે પ્રાઈમરી માર્કેટમાં પણ મોટી ગતિવિધિઓ જોવા મળી રહી છે.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે ગઈ દિવાળીથી વર્તમાન દિવાળીની વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ તથા નિફટી૫૦એ અત્યારસુધીની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી છે.