- વીરતા પુરસ્કારોના પ્રશસ્તિપત્રમાં ઉલ્લેખ
- અન્ય ઘટનામાં ભારતીય જવાનોએ PLAના 40-50 જવાનોના જૂથનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવેલો
- ચીને તવાંગ સેક્ટર પર કબજાનો પ્રયાસ કરેલો
વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણની બે અજ્ઞાત ઘટનાઓ સામે આવી છે. ભારતીય સૈન્યના જવાનોને અપાયેલા વીરતા પુરસ્કારોના પ્રશસ્તિપત્રમાં આ ઘર્ષણોનો ઉલ્લેખ કરાયો છે. ગયા અઠવાડિયે સૈન્યના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા અલંકરણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન પ્રશસ્તિપત્રમાં તેની માહિતી આપતા જણાવાયું હતું કે ભારતીય જવાનોએ એલએસી પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાનોને આક્રમકતા સાથે જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રશસ્તિપત્રમાં જેમનો ઉલ્લેખ કરાયો હતો તે ઘટનાઓ 2022માં થયેલી હાથોહાથની લડાઇ હતી અને લદાખમાં બની હતી. આ મામલે સૈન્ય દ્વારા કોઇ ટિપ્પણી નથી કરાઇ. પ્રશસ્તિપત્ર મુજબ જાન્યુઆરી, 2022ની પહેલી ઘટનામાં પૂર્વ લદાખમાં પીએલએના કેટલાક જવાનોએ ભારતીય સૈન્યની એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં એક ભારતીય જવાને અસાધારણ સાહસ દર્શાવતા ચાર ચીની જવાનો સાથે બાથ ભીડીને તેમની રાઇફલો ઝૂંટવી લઇ તેમને પાછા ફરવા મજબૂર કર્યા હતા. બીજી ઘટના નવેમ્બર, 2022માં બની હતી કે જ્યારે ભારતીય જવાનોએ ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા પીએલએના 40થી 50 જવાનોના એક જૂથને પાછું ધકેલ્યું હતું. ભારતીય જવાનોના યુનિટે તેમના પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા અને પોસ્ટ પર કબજો જમાવવાનો ચીની દળોનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
ચીને તવાંગ સેક્ટર પર કબજાનો પ્રયાસ કરેલો
જૂન, 2020માં બંને દેશોના સૈનિકો વચ્ચે ગાલવાન ખીણમાં ઘર્ષણ બાદથી ભારતીય સૈન્ય એલએસી પર ઉચ્ચ સ્તરની તૈયારીઓ જાળવી રહ્યું છે. એલએસી 3,488 કિલોમીટર લાંબી છે. ચીની સૈનિકોએ તવાંગ સેક્ટર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે સંસદમાં આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે પીએલએના સૈનિકોએ તવાંગ સેક્ટરના યાંગ્ત્ઝે સેક્ટરમાં એલએસી પાર કરી એકતરફી રીતે યથાસ્થિતિ બદલી નાખી હતી. ભારતીય સૈન્યના જવાનોએ આ પ્રયાસનો જોરદાર જવાબ આપ્યો હતો. આ ઝપાઝપીમાં બંને પક્ષના કેટલાક જવાનોને ઇજાઓ પહોંચી હતી.


