- મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇંદોર બેન્ચ દ્વારા એક્સ્પર્ટ કમિટીને આદેશ
- 29 એપ્રિલ પહેલાં કોર્ટને રિપોર્ટ આપવા તાકીદ કરાઇ, ત્યારે વધુ સુનાવણી હાથ ધરાશે
- સામાજિક સંગઠન હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી
ઉત્તરપ્રદેશમાં કાશી અને મથુરા બાદ હવે મધ્યપ્રદેશમાં ભોજશાળાનો વૈજ્ઞાનિક સર્વે હાથ ધરવામાં આવશે. મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇંદોર બેન્ચે પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે એએસઆઈ ભોજશાળાની ઐતિહાસિકતાનું વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વેક્ષણ કરે. જસ્ટિસ એસએ ધર્માધિકારી અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રાની બનેલી બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે એક્સ્પર્ટ કમિટી બન્ને પક્ષકારોના પ્રતિનિધિઓની હાજરી ગ્રાઉન્ડ પેનિટ્રેશન, રડાર સિસ્ટમ સહિત તમામ ઉપલબ્ધ વૈજ્ઞાનિક ઉપાયોની સાથે ભોજશાળા સંકુલના 50 મીટરના પરિઘમાં સમુચિત સ્થાનો પર જરૂર પડે તો ખોદકામ કરીને સર્વેક્ષણ કરે. તસવીરો અને વીડિયો બનાવવામાં આવે. સાથે 29 એપ્રિલ પહેલાં કોર્ટને રિપોર્ટ સુપરત કરવાની તાકીદ કરવામાં આવી હતી. 29 એપ્રિલે કોર્ટમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. સામાજિક સંગઠન હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એએસઆઈને પાંચ સભ્યોની બનેલી એક્સ્પર્ટની રચના કરવાનો આદેશ આપ્યો છે.
ભોજશાળા સરસ્વતી મંદિર હોવાનો દાવો
ભોજશાળા ખાતે સરસ્વતી મંદિર હોવાના પોતાના દાવાના સમર્થનમાં હિન્દુ પક્ષે હાઇકોર્ટ સામે આ સંકુલની રંગીન તસવીરો પણ રજૂ કરી હતી. દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે આદેશ ઈશ્યૂ કરતાં જણાવ્યું હતું કે ભોજશાળા મંદિર અને કમાલ મૌલા મસ્જિદનું જેમ બને તેમ ઝડપથી સર્વેક્ષણ કરાવવામાં આવે તે એએસઆઈનું બંધારણીય અને કાયદા અનુસારની ફરજ છે.


