- ધમકી ભર્યા પત્રો મળતા તપાસમાં લાગી ગઈ પોલીસ
- પત્રો સાથે મળેલ પાવડર એન્થ્રેક્સ હોવાની આશંકા
- પાવડરને પરીક્ષણ માટે લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો
પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોને બુધવારે ધમકી ભર્યા પત્રો મળ્યા છે. આ પત્રોની અંદરથી શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો છે. પત્ર મેળવનાર જજોમાં જસ્ટિસ શુજાત અલી ખાન, જસ્ટિસ શાહિદ બિલાલ હસન અને જસ્ટિસ આલિયા નીલમનો સમાવેશ થાય છે. કોર્ટ રજિસ્ટ્રાર ઓફિસે આ વાતની પુષ્ટિ કરી છે.
આ પહેલા મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટના 6 જજોને પણ શંકાસ્પદ પાવડર સાથે ધમકીભર્યા પત્રો મળ્યા હતા. ન્યાયાધીશોએ આ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJP) કાઝી ફૈઝ ઈસાને ફરિયાદ કરી હતી.
લાહોર પોલીસ અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)ના સિનિયર અધિકારીઓ લાહોર હાઈકોર્ટ પહોંચ્યા અને પત્રોનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ લાહોર હાઈકોર્ટના જજોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
પોલીસે પત્ર પહોંચાડનાર કુરિયર કંપનીના કર્મચારીની પણ અટકાયત કરી લીધી છે અને તેની સાથે પૂછપરછ કરવા માટે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે. પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે કે સફેદ પાવડર એન્થ્રેક્સ હોઈ શકે છે. પાઉડરની તપાસ કરવા માટે તેને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે જેથી ખ્યાલ આવી શકે કે તે એન્થ્રેક્સ છે કે નહિ.
સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને ધમકીભર્યા પત્રો મળવાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. CJP ઈસાની અધ્યક્ષતામાં સાત સભ્યોની ખંડપીઠની રચના કરવામાં આવી છે. આ બેંચ ઈસ્લામાબાદ હાઈકોર્ટના જજોના કેસની સુનાવણી કરશે. આ ન્યાયાધીશોએ ISI સહિતની ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે.


