- ભારતના પાંચ વિકેટે 326 રન સામે દક્ષિણ આફ્રિકન ટીમ માત્ર 83 રનમાં જ ખખડી ગઇ
- વિરાટે અણનમ 101 રન ફટકાર્યા, ઐયરના 77, જાડેજાની પાંચ, કુલદીપ, સામીની 2-2 વિકેટ
- ટીમ ઇન્ડિયાએ સતત આઠમી જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું
આઇસીસી વર્લ્ડ કપના 37માં મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત આઠમી જીત મેળવવાની સાથે જ પોઇન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમ ભારતીય સ્પિનર્સ ખાસ કરીને રવીન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગ સામે ઘૂંટણિયે નમી ગઇ હતી અને ભારતે દક્ષિણ આફ્રિકા સામે પોતાની સૌથી મોટી જીત મેળવી હતી. ઇડન ગાર્ડન્સમાં પૂર્વ સુકાની વિરાટ કોહલીએ ફટકારેલી વિક્રમી 49મી સદીના જોરે ભારતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્કોર ઊભો કર્યો હતો અને ત્યારબાદ ભારતીય બોલર્સે દક્ષિણ આફ્રિકન ટીમને નિયત સમયાંતરે આંચકા આપતા દક્ષિણ આફ્રિકન ટીમ માત્ર 83 રનના સ્કોર પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.દક્ષિણ આફ્રિકાના પાંચ બેટ્સમેન તો બેવડા આંકને પણ સ્પર્શી શક્યા નહોતા. ભારત વતી રવીન્દ્ર જાડેજાએ પાંચ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સમીએ બે-બે જ્યારે સિરાજે એક વિકેટ ખેરવી હતી. ભારતે ટૂર્નામેન્ટમાં સતત આઠમી જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાને બીજી હાર મળી છે પરંતુ તે દક્ષિણ આફ્રિકાના મનોબળને નુકસાન પહોંચાડશે. આ જીતની સાથે જ ભારતનો નેટ રનરેટ પણ દક્ષિણ આફ્રિકા કરતા સારો થઇ ગયો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ભારત માટે સૌથી વધારે અણનમ 101 રન વિરાટ કોહલીએ ફટકાર્યા હતા. વિરાટે વનડે ક્રિકેટમાં પોતાની 49મી સદી ફટકારી હતી અને સચિન તેન્ડુલકરના વિક્રમની બરાબરી કરી હતી. શ્રોયસ ઐયરે 77 જ્યારે સુકાની રોહિત શર્માએ 40 રનનો ફાળો આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે એડેન માર્કરામ સિવાય તમામ બોલર્સે એક-એક વિકેટ ખેરવી હતી. 327 રનના સ્કોરનો પીછો કરતા મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ 83 રન જ બનાવી શકી હતી. સૌથી વધારે 14 રન માર્કો જાનસેને બનાવ્યા હતા. તે સિવાય ડુસેને 13 અઇને બાવુમા અને મિલરે 11-11 રન બનાવ્યા હતા. તે સિવાય કોઇપણ બેટ્સમેન ડબલ ડિજિટમાં પહોંચી શક્યો નહોતો.