– કાચા માલના ખર્ચ વધતા દેશમાં સેવા માટેના ચાર્જિસમાં ઓકટોબરમાં વધારો
– ઓકટોબરમાં સેવા ક્ષેત્રનો PMI ઘટી ૫૮.૪૦
Updated: Nov 4th, 2023
મુંબઈ : ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ બાદ ઓકટોબરમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઓકટોબરમાં સેવા ક્ષેત્રનો એસ એન્ડ પી ગ્લોબલ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટી ૫૮.૪૦ રહ્યો હતો. સપ્ટેમ્બર માટે આ આંક ૬૧ રહ્યો હતો.
ઓકટોબરનો પીએમઆઈ સાત મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.
જો કે પ૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. સપ્ટેમ્બરની સરખામણીએ પીએમઆઈમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ સાનુકૂળ માગ, નવા ઓર્ડર તથા પોઝિટિવ બજાર માનસ સેવા ક્ષેત્રના પીએમઆઈને ૫૦થી ઉપર એટલે કે વિસ્તરણને ટકાવી રાખવામાં ટેકારૂપ રહ્યા છે.
માગની હકારાત્મક સ્થિતિ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પ્રારંભમાં વેપાર પ્રવૃત્તિમાં વૃદ્ધિને ટેકો આપી રહ્યા છે.
ગયા મહિને કેટલીક કંપનીઓ નવા ઓર્ડર્સ મેળવવામાં સફળ રહી છે જ્યારે કેટલીક કંપનીઓએ પોતાની સેવા માટેની માગ નબળી હોવાનું જણાવ્યું હોવાનું એસએન્ડપી ગ્લોબલના સર્વ રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારે સ્પર્ધા તથા કેટલીક ચોક્કસ સેવાઓ માટે મંદ માગને કારણે આગામી ૧૨ મહિના માટેનો વેપાર આશાવાદ ઘટી ગયો છે.ભાવિ પ્રવૃત્તિ માટેનો સબ-ઈન્ડેકસ ઘટી ૬૩.૫૦ રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં નવ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. સેવા ક્ષેત્રે રોજગાર નિર્માણ પણ ઘટી ત્રણ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.
યુરોપ, એશિયા તથા અમેરિકા ખાતેથી નવા ઓર્ડર્સમાં વધારાને કારણે ગયા મહિને ભારતની સેવા ક્ષેત્રની નિકાસ મજબૂત રહેવા પામી છે. જો કે કાચા માલ તથા સેવા માટેના દરમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. ફુગાવો લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચો રહેવા પામ્યો હતો.
ખાધાખોરાકી, ઈંધણ તથા કર્મચારી પાછળના ખર્ચમાં વધારો થતાં ભારતના સેવા ક્ષેત્રમાં ફુગાવાજન્ય દબાણ વ્યાપક બન્યું છે. કાચા માલના ખર્ચમાં વધારો થતા સેવા માટેની કિંમતમાં પણ કંપનીઓએ વધારો કરવાની ફરજ પડી છે.
બે દિવસ પહેલા જાહેર થયેલો ઓકટોબરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટી ૫૫.૫૦ સાથે આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. સપ્ટેમ્બરમાં આ આંક ૫૭.૫૦ રહ્યો હતો. ભારત સહિત એશિયાના મોટાભાગના દેશોમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પર અસર પડી હતી.