– ઈ-કોમર્સ ક્ષેત્રેં ગ્રાહકોના રક્ષણ માટે નિયમો ઘડાશે
Updated: Nov 9th, 2023
મુંબઈ : અનેક મુસદ્દા તથા મીટિંગો બાદ છેવટે દેશની અંતિમ ઈ-કોમર્સ પોલિસી તૈયાર થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં બહાર પડાશે. પોલિસીને અંતિમ રૂપ આપવા વિવિધ હિસ્સેદારો સાથે ૮૦ જેટલી બેઠકો યોજાઈ હોવાનું ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું. ઈ-કોમર્સ ક્ષેત્ર છેલ્લા અનેક વર્ષોથી દેશમાં વિવાદમાં રહેલું છે.
આ પોલિસી અંતર્ગત ગ્રાહકોના રક્ષણ માટે ખાસ નિયમો પણ ઘડવામાં આવશે.
પોલિસીને અંતિમ મંજુરી મળે તેની રાહ જોવાઈ રહી છે. પોલિસી તૈયાર કરતા પહેલા વિવિધ હિસ્સેદારો જેમ કે રિટેલરો, ઈ-કોમર્સ ખેલાડીઓ, ગ્રાહક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ તથા નાના ઉદ્યોગો સાથે બેઠકો યોજવામાં આવી હતી. તેમના હિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
વાણિજ્ય તથા ગ્રાહક બાબતો કેન્દ્રના આ બે મંત્રાલયો આમાં સંકળાયેલા હોવાથી તેની અંતિમ રૂપ આપવામાં ઢીલ થઈ છે એમ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું.
દેશમાં ઈ-કોમર્સના ફેલાવા સાથે ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે પણ જરૂરી છે. કેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષથી ઈ-કોમર્સ પોલિસી પર કામ કરી રહ્યું છે. પહેલી દરખાસ્ત ૨૦૧૮માં આવી હતી અને ૨૦૧૯માં મુસદ્દો જારી કરાયો હતો.
૨૦૧૯ના ડ્રાફટમાં ઈ-કોમર્સ ક્ષેત્રના ૬ મુખ્ય પાસાં જેમ કે, ડેટા, માળખાકીય વિકાસ, ઈ-કોમર્સનું બજારસ્થળ, નિયમનકારી બાબતો, ઘરઆંગણેના ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહન તથા ઈ-કોમર્સ મારફત નિકાસ પ્રોત્સાહનોને ધ્યાનમાં લેવાની દરખાસ્ત હતી.
પસંદગીના જ વેચાણકારોને અપાતા પ્રાધાન્ય અને ઊંડા ડિસ્કાઉન્ટ ટ્રેડરોની ચિંતાનો મુખ્ય વિષય રહ્યો હતો. ઈ-કોમર્સમાં ગ્રાહકોના રક્ષણ માટે નિયમો ઘડી કાઢવાની પણ હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે. ઈ-કોમર્સ ક્ષેત્રના સર્વસમાવિષ્ટ વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભુ કરવા આ નીતિ હેતુ ધરાવે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.