આ સમયે, ભારત તેની આસપાસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક મોરચે સંપૂર્ણપણે સતર્ક છે. એક તરફ, તેણે લશ્કરી મોરચે પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી છે, તો બીજી તરફ, તેની નજર હવે તેના ચાલાક દુશ્મન ચીન પર મંડાયેલી છે.ચીનનો સામનો કરવા માટે, તે હવાઈ હુમલાને બદલે ડિજિટલ સ્ટ્રાઈકનો આશરો લઈ રહ્યો છે. સરકારે સર્વેલન્સ ઉદ્યોગ એટલે કે સીસીટીવી કેમેરા સંબંધિત સુરક્ષા નીતિમાં ફેરફાર કર્યો છે.
સરકારે એપ્રિલ 2025 સુધીમાં નવી સુરક્ષા નીતિ લાગુ કરી છે. આ અંતર્ગત, ભારતની સરકારી પ્રયોગશાળાઓમાં તમામ ઇન્ટરનેટ-કનેક્ટેડ સીસીટીવી કેમેરાનું સુરક્ષા પરીક્ષણ કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.આ નીતિનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને ચીન તરફથી આવી રહેલા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને. ભારતના આ પગલાથી ભારતીય અને વિદેશી કંપનીઓ વચ્ચે સપ્લાય ચેઇનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે.
ભારત સરકારની આ નીતિ ખાસ કરીને ચીની કંપનીઓ – હિકવિઝન, દહુઆ અને શાઓમી પર કેન્દ્રિત છે. આ કંપનીઓના સાધનોમાં સુરક્ષા ખામીઓનો ભય છે, જેના કારણે સંવેદનશીલ ડેટાની ચોરી અથવા વિદેશી નિયંત્રણની શક્યતા વધી જાય છે. અગાઉ, CERT-In એ પણ આ કંપનીઓના ઉપકરણોમાં સુરક્ષા ખામીઓ પર પ્રકાશ પાડ્યો હતો.
ભારતના સાયબર સિક્યોરિટી ચીફ રહી ચુકેલા ગુલશન રાયે રોયટર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભય હંમેશા રહે જ છે. ઈ્ટરનેટ સાથે જોડાયેલા સીસીટીવીને કોઈ પણ ગમે ત્યાંથી ઓપરેટ કરી શકે છે. આથી તેની સુરક્ષા જરુરી છે. તેથી જ ભારત હવે દેશમાં સાયબર સિક્યોરીટીની સુરક્ષા વધારશે.
નવી સરકારી નીતિ હેઠળ, કંપનીઓએ તેમના ઉત્પાદનોના હાર્ડવેર, સોફ્ટવેર અને સોર્સ કોડ સરકારી પ્રયોગશાળાઓમાં સબમિટ કરવા જરૂરી છે. આના કારણે પરીક્ષણનો અભાવ, ફેક્ટરી નિરીક્ષણમાં વિલંબ અને સોર્સ કોડ ચકાસણી જેવી સમસ્યાઓ ઊભી થઈ છે.આ નીતિનું એક મુખ્ય પાસું એ છે કે તે ભારતીય ઉત્પાદકોને પ્રોત્સાહન આપી રહી છે. જે કંપનીઓ કેન્દ્રીય માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાંથી સાયબર સુરક્ષા પ્રમાણપત્ર મેળવે છે તેમને સરકારી કરારોમાં પસંદગી મળી શકે છે. આ ઉપરાંત, મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ, સરકાર સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપી રહી છે.