ચૂંટણીમાં કયા વિસ્તારમાંથી કેટલા મત પડયા તે અંગે માહિતી આપવા કાર્યકરોને દોડતા કર્યા
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. ઉમેદવારોએ પણ છેલ્લા દોઢ મહિનાની દોડાદોડીનો થાક ઉતારી લીધા બાદ ફરી મેદાનમાં આવ્યા છે અને હવે પરિણામ તરફ નજર રાખી રહ્યા છે તે પહેલા કયા વિસ્તારમાંથી કેટલા મત પડયા છે તે અંગેની તેમજ કોણ નડયા છે? તેની માહિતી મંગાવવા માટે કાર્યકરોને દોડાવવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. આ ઉપરાંત મતદાન બાદ ઉમેદવારોએ પણ પ્રચારનો થાક ઉતાર્યો હતો. ઘણાં ઉમેદવારોએ કાર્યકરોની ટીમને બોલાવીને બુથ વાઈઝ વિગતો માંગી મતોનો અંદાજ મેળવ્યો હતો. કાળઝાળ ગરમીમાં ઓછુ મતદાન થતાં ઉમેદવારોને ચિંતા સતાવી રહી છે. ત્યારે ઉમેદવારોએ કાર્યકરો પાસેથી કોણ ચૂંટણીમાં મદદરૂપ થયુ અને કોણ નડયુ તેઅંગે પણ માહિતી મેળવી હતી. ક્યાં ક્ષત્રિય આંદોલનની અસર થઇ તેની પણ માહિતી એકત્ર કરી હતી.
ઉમેદવારોને પહેલાં ગરમીને કારણે મતદાનને લઈને ચિતા હતી. હવે ઉમેદવારોને પરિણામ શું આવશે ? તે અંગેની ચિંતા સતાવી રહી છે. ચૂંટણીને કારણે કાર્યકરોએ વેકેશનમાં ટુર પર જવાનુ ય માંડી વાળ્યુ હતું. હવે જયારે ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે કાર્યકરો જ નહીં, નેતાઓએ પણ પરિવાર સહ રજા ગાળવા ટુર પર જવા તૈયારીઓ કરી છે.


