બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વડા ખાલિદા ઝિયા મંગળવારે મોડી રાત્રે લંડન જવા રવાના થયા છે. ઝિયાને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાની દ્વારા મોકલવામાં આવેલી વિશેષ એર એમ્બ્યુલન્સમાં ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના કરવામાં આવ્યા છે. તેમને વિદાય આપવા માટે ઘણા સમર્થકો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
શેખ હસીનાએ પણ સત્તા છોડી ભાગવુ પડ્યું
ઝિયાએ એવા સમયે દેશ છોડી દીધો છે, જ્યારે બાંગ્લાદેશ ગંભીર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઓગસ્ટ 2024માં વડાપ્રધાન શેખ હસીનાએ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં મોટા જન આંદોલન પછી સત્તા છોડવી પડી હતી. આ પછી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારની જવાબદારી સંભાળી છે. યુનુસ 2026ના પહેલા 6 મહિનામાં અથવા તેના પહેલા ચૂંટણી યોજવાની યોજના ધરાવે છે.
લંડન જવાનું કારણ શું છે?
ઝિયાના ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમને લીવર સિરોસિસ, હૃદય રોગ અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓ છે. તેના નજીકના સાથી ઈનામુલ હક ચૌધરીએ જણાવ્યું કે ઝિયાની સારવાર લંડનમાં કરવામાં આવશે. ત્યાં તેમના મોટા પુત્ર અને બીએનપીના કાર્યવાહક પ્રમુખ તારિક રહેમાન છે. ઝિયાના ગુલશન નિવાસસ્થાનથી એરપોર્ટ સુધીની લગભગ 10 કિલોમીટરની મુસાફરીમાં 3 કલાકનો સમય લાગ્યો હતો, કારણ કે હજારો સમર્થકો તેમને વિદાય આપવા માટે શેરીઓમાં એકઠા થયા હતા.
ઝિયાનો રાજકીય પ્રભાવ
ખાલિદા ઝિયા અને શેખ હસીનાની ગણના બાંગ્લાદેશના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં થાય છે. તેમની રાજકીય હરીફાઈએ દેશની રાજનીતિને દાયકાઓથી પ્રભાવિત કરી છે. ઝિયાની સારવારની આ યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે તેના સમર્થકોએ દેશના ભવિષ્ય અને આગામી ચૂંટણીઓ પર ચાંપતી નજર રાખવાની જરૂર છે.
ઝિયા ભ્રષ્ટાચારના કેસમાં દોષિત હતા
વચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના શાસન દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઝિયાને શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના 2 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમના સમર્થકોનું કહેવું છે કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત હતા.


