- શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યા
- સુખદેવ સિંહ પર જયપુરના શ્યામનગરમાં ધોળા દિવસે કરાયું ફાયરિંગ
- ઇજાગ્રસ્ત સુખદેવ સિંહ ગોગામેડીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. બે અજ્ઞાત શખ્સોએ શ્યામનગરમાં એક ઘરની બહાર ઊભા હતા તે સમયે સ્કૂટર પર આવેલા શખ્સોએ તેમની પર ફાયરિંગ કર્યું હતું. તેઓ, સાથે સાથે તેમની સાથે રહેલા અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન સુખદેવ સિંહનું નિધન થયું હતું.
હોસ્પિટલ પર વધારવામાં આવી સુરક્ષા
ફાયરિંગની આ ઘટનાની જાણકારી જેવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તો તેમના સમર્થકો અને સમાજના લોકો હોસ્પિટલ પહોંચવા લાગ્યા. પરંતુ તેમને હોસ્પિટલમાં ન જવા દેવામાં આવ્યા. હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાકાંડને લઈને શહેરમાં વાતાવરણ ખરાબ ન થાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ હત્યાકાંડને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
આનંદપાલ એન્કાઉન્ટ કેસ બાદ આવ્યા હતા ચર્ચામાં
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી સૌથી પહેલા આનંદપાલ એન્કાઉન્ટર કેસને લઈને ચર્ચામાં આવ્યા હતા. તે સમયે આનંદપાલનો મૃતદેહ લઈને તેમણે ઘણા દિવસ સુધી પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ, તેમનું નામ ઘણું ચર્ચામાં આવ્યું હતું.
પદ્માવતીના શૂટિંગ દરમિયાન માર્યો હતો ભણસાલીને લાફો
ત્યારબાદ, સુખદેવ સિંહ તે સમયે ફરી ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને સુખદેવ સિંહે ફિલ્મના સેટ પર જઈને તમાચો મારી દીધો હતો. સુખદેવ સિંહ ગોગામેડી પદ્માવતી ફિલ્મના વિરોધમાં સતત પ્રદર્શન કરી રહ્યા હતા અને સમગ્ર દેશમાં તેનો વિરોધ કર્યો હતો. જેનું પરિણામ એ આવ્યું હતું કે ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા ફિલ્મનું નામ પદ્માવતીથી બદલીને પદ્માવત કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ફિલ્મ માંથી કેટલાંક દ્રશ્યો પણ કાઢવા પડ્યા હતા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે
આ સમગ્ર પ્રકરણ બાદ સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમાજના યુવાનોમાં ઘણો જાણીતો ચહેરો બની ગયા હતા. સુખદેવ સિંહે 2018ની ચૂંટણીમાં ભાદરાથી ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ માંગી હતી પરંતુ તેમને ટિકિટ નહોતી મળી. સુખદેવ સિંહના છેલ્લા કેટલાંક વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંઘર્ષના સમાચારો પણ આવતા રહેતા હતા.
સારવાર દરમિયાન થયું સુખદેવ સિંહનું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. સુખદેવ સિંહને શ્યામનગરમાં તેમના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી હતી. તેઓ પોતાના ઘરની બહાર ઊભા હતા તે જ સમયે બે યુવકો સ્કૂટર પર સવાર થઈને આવ્યા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં સુખદેવ સિંહને બે ગોળી વાગી હતી. તેમણે તાત્કાલિક સારવાર માટે માનસરોવર ખાતે મેટ્રો માસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોકટરો સારવાર શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સુખદેવ સિંહ પર ફાયરિંગ દરમિયાન ત્યાં હાજર અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી બાજુ ફાયરિંગની સૂચના મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના તમામ મુખ્ય રસ્તાઓ પર નાકાબંદી કરી દેવામાં આવી છે અને CCTV ફૂટેઝ તપાસવામાં આવી રહ્યા છે.


