- પૂર્વ ઈન્ડોનેશિયાના અનેક વિસ્તારોમાં 6.6ના આંચકા
- જકાર્તાના સમય મુજબ મંગળવારે સવારે 07.02 વાગ્યે આવ્યો હતો ભૂકંપ
- રાન્સિકી શહેરથી 46 કિમી દક્ષિણપૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર
ઈન્ડોનેશિયાના પૂર્વી વિસ્તારોમાં 6.6ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ જાણકારી મંગળવારે 9 એપ્રિલના રોજ યુનાઈટેડ સ્ટેટ જિયોલોજીકલ સર્વે તરફથી આપવામાં આવી છે. આ દરમિયાન મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડોનેશિયાના પૂર્વીય પ્રાંત પાપુઆમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
અહેવાલો અનુસાર, ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.1 ગણાવી હતી. પરંતુ, બાદમાં તેમાં સુધારો કર્યો હતો. એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપ જકાર્તાના સમય મુજબ મંગળવારે સવારે 07.02 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાન્સિકી શહેરથી 46 કિમી દક્ષિણપૂર્વમાં અને દરિયાની સપાટીથી 11 કિમીની ઊંડાઈએ હતું.
ઈન્ડોનેશિયામાં આ સ્થળોએ આવી શકે છે આફ્ટરશોક્સ
મળતી માહિતી મુજબ, દૂર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે, સારી વાત એ છે કે એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથી. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે પણ કહ્યું કે હાલમાં અહી સુનામીની કોઈ ચેતવણી નથી, પરંતુ ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સી (BMKG) એ કહ્યું કે મોલુક્કા સમુદ્રની આસપાસ રહેતા લોકો આફ્ટરશોક્સ અનુભવી શકે છે.
આ કારણોથી ઈન્ડોનેશિયામાં ભૂકંપનો મોટો ખતરો
ભૂકંપના આંચકાને કારણે મોટી ભરતી નહિ આવે. જો કે, ઈન્ડોનેશિયામાં જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે ઘરો, ઓફિસો અને અન્ય ઈમારતોમાં લોકો ડરી ગયા હતા. ભૂકંપના આંચકાથી ડરેલાં લોકો તુરંત જ સુરક્ષિત જગ્યાઓ તરફ ભાગવા લાગ્યા હતા. ઇન્ડોનેશિયા એક દ્વીપસમૂહ દેશ છે જે રિંગ ઓફ ફાયર સાથે સ્થિત છે અને તેના કારણે ભૂકંપનું જોખમ રહેલું છે.


